બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલી મે. શ્રી સેલ્સ ખાતે રાજ્યના ફૂડસ એન્ડ ડ્રગ્સના વિભાગના દરોડા, 35 લાખ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડસ એન્ડ ડ્રગ્સના વિભાગના કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા જૂન- ૨૦૨૫ દરમિયાન ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી ભેળસેળ યુક્ત ઘીની રેડ કરી આશરે 35 લાખથી વધુની કિંમતનો 650 કિ.લોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા ઉક્ત વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવતા આજ વેપારી દ્વારા ઘી બનાવી લાયસન્સ વગર ના ચંડીસર જી.આઇ.ડી.સી એરીયાના પ્લોટ નં.૧૦૧માં આવેલ ખાનગી જગ્યાના ગોડાઉન પર તા. ૦5 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે આકસ્મિક રેડ કરવામાં આવી હતી.
“ગુમર બ્રાન્ડ” ઘીનો શંકાસ્પદ જથ્થો મળ્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પર જવાબદાર ભાવેશ અશોકભાઇ ચોખાવાલાને સંપર્ક કરતાં તેઓ પોતે ઉક્ત સ્થળ પર હાજર થયા હતા. ત્યારબાદ તંત્રના અધિકારીઓએ ગોડાઉનની તપાસ કરતાં “ગુમર બ્રાન્ડ” ઘીના 15 કિ.લોના 124 ટીન અને લેબલ વગરના ધી ના 15 કિ.લો પેક ટીનનો 232 નંગનો શંકાસ્પદ જથ્થો હાજર સ્થિતીમાં જોવા મળ્યો હતો. જેમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના કુલ 2 નમુનાઓ ચકાસણી અર્થે લઈ બાકીનો આશરે 5.5 ટનનો જથ્થો સીઝ કરાયો હતો જેની અંદાજીત કિમત રૂ. 35 લાખ કરતાં વધારે થાય છે. ત્યારબાદ ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સ નો કોઈ જથ્થો માલૂમ પડેલ ન હતો. વધુમાં ઉત્પાદક સ્થળે પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો હતો. આથી, ઉક્ત ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કર્યા હોવાની પ્રબળ આશંકા ના આધારે ઉક્ત નિયમોનુસારની કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે
ઓગષ્ટ માસમાં . 1.8 કરોડનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો
વધુમાં કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમ્યાન રાજ્યમાં અલગ અલગ 10 જગ્યાએ રેડ કરી 28 નમુના લેવામાં આવ્યો હતો. આ નમૂના પૈકી અંદાજિત 46 ટન જેટલો શંકાસ્પદ ખાદ્યપદાર્થ કે જેની કિંમત આશરે રૂ. 1.8 કરોડ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો.