આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆતમા પ્રશ્નોત્તરી કાળમાં સરકારે સવાલોના જવાબો આપ્યા હતાં. રાજ્યમાં ચોરાયેલી, ખોવાયેલી કે રિકવર થયેલી ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના સભ્યએ સત્તાપક્ષને કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસના દંડક કિરીટ પટેલે ગૃહમાં ટોણો માર્યો હતો.
જેનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના દંડકે ગૃહમાં ટોણો માર્યો
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના દંડક કિરીટ પટેલે ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમને લઈને ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકોનો ખોવાયેલો મુદ્દામાલ પરત કરો છો તો કોંગ્રેસનો મુદ્દામાલ પણ પરત કરો. તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો અંગે શાબ્દિક પ્રહારો કર્યા હતાં. આ દરમિયાન ગૃહમાં તમામ સભ્યો હસી પડ્યા હતાં.
કોંગ્રેસના કિરીટ પટેલને હર્ષ સંઘવીનો જવાબ
કોંગ્રેસના દંડક અને પાટણના ધારાસભ્યના આ ટોણાનો જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો આવવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે. હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ અંતર્ગત પુછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ચોરાયેલી, ખોવાયેલી, રીકવર થયેલી કે કબજે કરાયેલી ચીજવસ્તુઓ તેના મુળ માલિકને પરત કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.