આજથી રાજકોટ શહેરમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. શહેરના તમામ મુખ્ય ચોકો અને માર્ગો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 400 પોલીસ જવાનો તૈનાત છે. ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) હરપાલસિંહ જાડેજાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે હેલમેટનો કાયદો વર્ષ 1988થી અમલમાં છે, તેમ છતાં ઘણા લોકો તેનું પાલન કરતા નથી.
પોલીસનું નિઃશુલ્ક હેલમેટ વિતરણ
રાજકોટ શહેર પોલીસે અત્યાર સુધીમાં 3000 જેટલા હેલમેટનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે. ડીસીપી જાડેજાએ જણાવ્યું કે જો વધુ સ્પોન્સર મળશે તો હજુ પણ હેલમેટનું વિતરણ ચાલુ રાખવામાં આવશે. આ પહેલનો હેતુ લોકોને હેલમેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે.
જીવન બચાવવા માટે હેલમેટ જરૂરી
ડીસીપી જાડેજાએ અકસ્માતોમાં હેલમેટના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે અકસ્માતના મોટાભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થાય છે અને હેલમેટ આવી ઇજાઓથી બચાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બાઈક પર પતિ-પત્ની અને બાળક હોય તો બાળકને પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે.
લોકોના બહાના અને રોષ
જોકે, હેલમેટ ફરજિયાત થતાની સાથે જ રાજકોટના વાહનચાલકોમાં અનેક પ્રકારના બહાના અને વિરોધ જોવા મળ્યા. ઘણા લોકોએ કહ્યું કે હેલમેટ ફરજિયાત કરતા પહેલા શહેરના રસ્તાઓ પરના ખાડાઓને સુધારવા જોઈએ. એક નાગરિકે કહ્યું કે, “પહેલા મસમોટા ખાડાઓ સરખા કરો પછી હેલમેટ પહેરાવજો.” અન્ય કેટલાક વાહનચાલકોએ કહ્યું કે ગરમી અને ભેજવાળા વાતાવરણમાં હેલમેટ પહેરવું શક્ય નથી. એક નાગરિકે એવી પણ ફરિયાદ કરી કે હેલમેટ પહેરવાથી સાઈડમાં જોવું મુશ્કેલ બને છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે.
મીઠાઈ પર ચાંદીનો વરખ સમજીને હોશે હોશે ઓઈયા કરનારા સાવધાન; આ હકીકત જાણીને ઝટકો લાગશે!
આ દરમિયાન, એક રાજસ્થાની નોકરીયાતે જણાવ્યું કે તે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં નોકરી કરે છે અને પહેલીવાર તેને પકડવામાં આવ્યો છે. તેણે કહ્યું કે ગુજરાતમાં મોટાભાગના લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. જોકે, કેટલાક જાગૃત નાગરિકોએ કહ્યું કે તેમની પાસે હેલમેટ છે અને તેઓ હંમેશા પહેરીને જ નીકળશે.