હિંસાની આગમાં લપેટાયેલા નેપાળમાં વડાપ્રધાન-રાષ્ટ્રપતિના રાજીનામાં વચ્ચે હવે સૈન્યએ સતા સંભાળી લીધી

Spread the love

 

હિંસાની આગમાં લપેટાયેલા ભારતના પાડોશી દેશ નેપાળમાં વડાપ્રધાન-રાષ્ટ્રપતિના રાજીનામાં વચ્ચે હવે સૈન્યએ સતા સંભાળી લીધી છે જોકે, તોફાનો હજુ બેકાબુ જ છે અને કાઠમંડુ સિવાય ન્ય અનેક શહેરોમાં પ્રસર્યા હતા જયાં સરકારી કચેરીઓને આગ ચાંપી દેવામાં આવી હતી.
નેપાળમાં યુવા વર્ગનું આંદોલન હિંસક અને બેકાબુ બની ગયુ જ હતું. ભ્રષ્ટાચાર સહિતના મામલે તથા સોશ્યલ મિડિયા પરના પ્રતિબંધ મુદ્દે બળવાનું સ્વરૂપ લઈ લીધુ હતું. સંસદ ભવનથી માંડીને પૂર્વ-વર્તમાન વડાપ્રધાનનાં નિવાસસ્થાનો સહિતની સરકારી-ખાનગી મિલકતો ફુંકી મારવામાં આવી હતી.
ભયાનક હિંસા વચ્ચે વડાપ્રધાન ઓલીએ, ગઈકાલે જ રાજીનામું આપી દીધા છતાં હિંસા કાબુમાં આવી નથી અને તોફાનો અન્ય વિસ્તારોમાં પ્રસર્યા હતા. આ સંજોગોમાં સૈન્યએ સતા સંભાળી લીધી હોવા છતાં હાલત બેકાબુ રહ્યા છે.
વિફરેલી યુવા પેઢીએ વિદ્રોહ સર્જવાને પગલે મોડીરાતથી સૈન્યએ શાસન સંભાળી લીધુ હતું. કાઠમંડુના આંતર રાષ્ટ્રીય વિમાની મથક તથા સિંહ દરબાર સહીતના મહત્વના સરકારી સ્થળોના કબ્જા સંભાળી લીધા હતા.
સૈન્ય વડા જનરલ અશોકરાજ સિગ્દેલે વીડીયો જારી કરીને શાંતી માટે અપીલ કરી હતી. મુશ્કેલ સમયમાંથી દેશને બહાર કાઢવાનો છે.હિંસાથી નુકશાન જ થશે. વાટાઘાટોનો માર્ગ અપનાવવાનું આહવાન કર્યું હતું આમ છતાં તોફાનીઓનો આક્રોશ અટકયો ન હતો અને માર્ગો પર હિસા તથા સરકારી કચેરીઓ પર હુમલાનો સિલસિલો જારી રહ્યો હતો.
સૈન્ય દ્વારા હેલીકોપ્ટર મારફત કેટલાંક મંત્રીઓને સુરક્ષીત સ્થળોએ પહોંચાડાયા હતા છતાં હાલત હજુ ગંભીર જ ગણાવવામાં આવી રહી છે. નેપાળમાં હિંસા વચ્ચે સંખ્યાબંધ ભારતીયો ફસાયા છે. તેઓને સુરક્ષિત લાવવા સરકારે પ્રયાસો શરૂ કર્યા છે. નેપાળની હવાઈ સેવા સ્થગીત બની રહી છે.
નેપાળ સૈન્ય દ્વારા એમ કહેવાયું હતું કે તોફાનોની આડમાં કેટલાંક લોકો લૂંટફાટ ચલાવી રહ્યા છે અને ખાનગી-સરકારી સંપતિને નુકશાન કરી રહ્યા છે. તોફાનો અટકાવવામાં નહિં આવે તો કડક કાર્યવાહી કરાશે.તોફાનીઓએ ચિતવન સહીત અન્ય જીલ્લાઓમાં પણ હિંસા આચરી હતી.
પાડોશી દેશ નેપાળમાં હિંસાને પગલે ભારત સરકારે સરહદી ક્ષેત્રોમાં સુરક્ષા એજન્સીઓ તથા વહિવટીતંત્રને એલર્ટનાં આદેશો આપવામાં આવ્યા જ છે. ત્યારે હિંસાની આગ ભારત સુધી પહોંચી હોય તેમ સરહદી મુલાઘાટ તથા ધારચુલાને અડીને આવેલા નેપાળી વિસ્તારો દાર્ચુલા અને બૈતાડીમાં પણ તોફાનો થયા હતા. દાર્ચુલામાં તોફાનીઓએ કોંગ્રેસ તથા એમાલેનાં કાર્યાલયમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી.
જેને પગલે સમગ્ર ક્ષેત્રમાં તનાવ-અજંપાની હાલત સર્જાઈ હતી. ઝુલાઘાત આંતર રાષ્ટ્રીય પુલથી 25 કીમી દુર આવેલા બૈતાડીમાં તોફાનોથી સન્નાટો સર્જાયો હતો.દાર્ચુલામાં પણ રેલી કાઢવામાં આવી હતી. આ દરમ્યાન દેખાવકારો હિંસક બન્યા હતા. નેપાળ પોલીસ તથા સૈન્ય ટીમો ઉતારવામાં આવી હતી. છતાં તોફાનીઓ સામે જવાનો લાચાર બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *