રાજકોટ શહેરમાં ગઇકાલથી ફરજિયાત હેલ્મેટનો અમલ શરૂ કરાવી ટ્રાફિક પોલીસે લાખો રૂપિયાનો દંડ વસૂલતા શહેરીજનોમાં દેકારો બોલી ગયો હતો અને ભાજપના ધારાસભ્યો સુધી આ અંગે રજૂઆતો પહોંચી હતી. દરમિયાન રાજકોટ શહેરમાં ફરજિયાત હેલ્મેટનો અમલ મોકૂફ રાખવા માટે આજે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડની આગેવાનીમાં ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી હતી.
સૌરાષ્ટ્રની જનતાની તાસીર અલગ હોય અને હેલ્મેટના દંડથી લોકોમાં દેકારો બોલી ગયાની વાતથી ગૃહ રાજ્ય મંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.
વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવાની સમજણ આવે તેવો હેતુ છે
દરમિયાન ગાંધીનગર ખાતેથી રાજકોટ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં ભાજપના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે, આજે બપોરે ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીને ત્રણે ધારાસભ્યોએ સાથે મળીને લેખિત રજૂઆત કરી હતી, તેના પ્રત્યુતરમાં ગૃહરાજ્યમંત્રીએ તેમને જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનો દંડ વસૂલીને લોકોને પરાણે હેલ્મેટ પહેરતા કરવા નથી. વાહનચાલકોમાં હેલ્મેટ પહેરવાની સમજણ આવે તેવો હેતુ છે. આ માટે જરૂરી સુચનાઓ જારી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી.
સૌરાષ્ટ્રના લોકો હેલ્મેટ પહેરવા માટે ટેવાયેલા નથી
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને રજૂઆત દરમિયાન રાજકોટના ભાજપના ધારાસભ્યો જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની તાસીર અલગ છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો હેલ્મેટ પહેરવા માટે ટેવાયેલા નથી, જ્યારે ગઈકાલે હેલ્મેટ અંગેની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન રૂ.૫૦૦થી ૧૦૦૦ લેખે લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવતા તેની સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ અંગેની વ્યાપક રજૂઆતો અને ફરિયાદો ધારાસભ્યો સુધી પહોંચી છે.
એટલી હદે કડક અમલવારી ન કરવી જોઇએ કે..
ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે હેલ્મેટ અંગે કરાતા દંડ મામલે અમે રાજકોટની જનતાની સાથે જ છીએ અને એટલી હદે કડક અમલવારી ન કરવી જોઇએ કે જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આજથી ટ્રાફિક પોલીસે હેલ્મેટ અંગેના ચેકિંગ મામલે નવતર અભિગમ અપનાવી લીધો છે અને હેલ્મેટ પહેરીને નીકળતા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપીને તેમનું સ્વાગત કરી
રહ્યા છે.