પંજાબ પૂરમાં ગુજરાતની મોટી મદદ : ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી

Spread the love

ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો

 

પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવસર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે. ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે. આજે(11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી હતી. સાથે જ 5 કરોડનો પૂર રાહતનો ચેક પણ આપ્યો છે. આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રીનાં પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે.
ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે. રેલવે DRM વેદપ્રકાશે જણાવ્યું કે અહીંથી 20 વેગનમાં રિલીફ મટિરિયલ લોડ કરીને લઈ જવાયું છે. બે વેગન હજી આગળથી જોડાશે. લગભગ 700 ટનનું મટિરિયલ એમાં લોડ કરવામાં આવ્યું છે. 20 પ્રકારની આઇટમ છે,જેમાં 12 મુખ્ય આઇટમ છે. ચોખા, દાળ, ડુંગળી, બટાટા, દવાઓ, કપડાં અને બીજી ઘણી બધી વસ્તુઓ છે. જે પૂરથી અસરગ્રસ્ત લોકોને જલ્દીથી રાહત આપી શકશે. દૂધ ઉત્પાદનો અને બીજી ઘણી બધી વસ્તુઓ મોકલવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશાં લોકો માટે ભારતમાં કોઈપણ ખૂણા પર આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે.
ભૂપેન્દ્ર પટેલની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજવસ્તુઓ ઘઉંથી માંડી કપડાં સુધીની વસ્તુઓ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ આ ટ્રેનની સાથે રવાના થયાં છે, સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આજે બનાસકાંઠામાં પણ મંત્રી જગદીશભાઈ પહોંચી ગયા છે. મુખ્યમંત્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ નિરીક્ષણ કરશે, સાથે મંત્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ, ચીજવસ્તુઓ ત્યાંથી રવાના કરી છે. છત્તીસગઢ માટે પણ લગભગ 8000 જેટલી કિટ બનાવી જે વસ્તુઓની સામાન્ય રીતે કોઈપણ પૂર પછી જેની જરૂર પડતી હોય. તમામ ચીજવસ્તુઓની યાદ કરી લિસ્ટ બનાવ્યા બાદ એેને ભેગી કરીને છત્તીસગઢ પણ મોકલી છે.
પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બંને રાજ્યોની મુલાકાત લીધી હતી. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, જેથી થયેલાં નુકસાનનો અંદાજ મેળવી શકાય. આ મુલાકાત દરમિયાન PMએ હિમાચલ પ્રદેશના કાંગડા અને પંજાબના ગુરદાસપુરના પૂરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી હતી અને તેમની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી રાહત અને બચાવકાર્યને વધુ વેગ આપવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ પૂરી પાડવા અંગે ચર્ચા કરી હતી.
પંજાબમાં આવેલા પૂરને કારણે અત્યારસુધીમાં 46 લોકોનાં મોત થયાં છે, જે એક અત્યંત દુઃખદ ઘટના છે. આ કુદરતી આફતે માનવ જીવન ઉપરાંત કૃષિક્ષેત્રને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. પૂરના પાણીને કારણે રાજ્યમાં 1.75 લાખ હેક્ટર જમીન પરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત અને લાંબા ગાળાના પુનર્વસન માટે નક્કર પગલાં ભરવા જરૂરી છે. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં અસરગ્રસ્ત પરિવારોને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહિયારા પ્રયાસો અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *