
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના 43, અમદાવાદના 9 અને રાજકોટના 50થી 55 સહિત ગુજરાતના 300થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જોકે, કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના 43 લોકોને 10 સપ્ટેમ્બરની મોડી રાતે ભારત બોર્ડર પરત લાવવામાં આવ્યા છે, જ્યારે રાજકોટના 30થી 35 લોકોને 21 સપ્ટેમ્બર સુધીમાં અને બાકીના ગુજરાતીઓને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લવાશે.
નેપાળમાં આવેલા તોફાનની સ્થિતિમાં ભાવનગરના નારી ગામથી 43થી વધુ શ્રદ્ધાળુઓ 22 દિવસની યાત્રા એ ગયા હતા. જે દરમિયાન નેપાળમાં થયેલા હિંસાના પગલે ફસાયા હતા. ત્યારે સ્થાનિક કોર્પોરેટરને આ માહિતી મળતાં તેમણે તમામ ફસાયેલા લોકોના સમાચાર મેળવ્યા હતા અને તાત્કાલિક કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા તથા ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરતા સરકાર દ્વારા તમામ પ્રવાસીઓને નેપાળમાંથી પરત લાવવામાં આવતા પ્રવાસીઓએ સરકારનો આભાર માન્યો હતો.
રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, નેપાળમાં રાજકોટના 55 જેટલા નાગરિકો ફસાયેલા છે. જેમની સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી, NRG ફાઉન્ડેશન, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતનું વિદેશ મંત્રાલય સંપર્કમાં છે. જેમાં મોટાભાગના રહેવાસીઓ કાઠમંડુના અગ્રવાલ ભવનમાં છે. આ સાથે જ હોટલ ગુરબા હેરિટેજમાં ચેતનાબેન મહેતા, માધુરીકાબેન દવે અને યોગેશભાઈ દવે ત્યાં હતા જે રાત્રે નીકળી ગયા છે અને અઢી વાગ્યે દિલ્હી પહોંચી ગયા છે. પશુપતિનાથ મંદિરની બાજુમાં વિઠ્ઠલભાઈ ભાલીયા, કાંતાબેન ભાલીયા, રમણીકલાલ સાવલિયા, ઉર્મિલાબેન સાવલિયા, મગનલાલ ધડુક, શાંતાબેન ધડુક બાય રોડ નિકળી ગયા છે. આ ઉપરાંત બોરીચા આકાશ ગોકળભાઈ, સિદ્ધાર્થ અશ્વિનભાઈ જાની, મેઘાબેન સિદ્ધાર્થભાઈ જાની અને સુરેશ ચનાભાઈ કુમારખાણીયા આવતીકાલે સવારે 10:30ની ફ્લાઈટમાં નીકળવાના છે.
આ ઉપરાંત અરવિંદગીરી ગોસ્વામી, હેતલ ગોસ્વામી, હિતેશ ત્રિવેદી કાઠમંડુમાં હોટલ કૈલાશ સરોવરમાં રોકાયેલા છે. તેઓ પણ આવતીકાલે સવારે 4:00 વાગ્યે બાય રોડ ત્યાંથી નીકળી જવાના છે. કારણકે ત્યાં સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કરફ્યુ હોય છે. જેથી લોકો વહેલી સવારે અથવા રાત્રે નીકળી રહ્યા છે. જ્યારે ધીરુભાઈ ચિકાણી અને શાંતાબેન ચીકાણી કાઠમંડુના અગ્રવાલ ભવનમાં છે. કાઠમંડુના આ અગ્રવાલ ભવનમાં 35 જેટલાં લોકો રોકાયેલા છે. જેઓ 21મી સપ્ટેમ્બર સુધી ત્યાં રોકાવવાના છે. હાલમાં લોકો ત્યાંથી ફ્લાઈટ અથવા તો બાય રોડ ટેક્સી કરીને આવી રહ્યા છે. હાલ એવી પરિસ્થિતિ નથી કે ત્યાં લોકોને ઈવેક્યુવેટ કરવો પડે.
નેપાળ ગયેલા રાજકોટ જિલ્લાનાં નાગરિકોની મદદ માટે કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ તેમજ રાજકોટ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરાયા છે. હાલમાં નેપાળમાં પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લાની કોઈ પણ વ્યક્તિ નેપાળમાં હોય અને તેમને કોઈ મદદની જરૂર પડે તો, તેઓ કાઠમંડુ સ્થિત ભારતીય દુતાવાસ ઈમરજન્સી નંબર: +977-9808602881, +977-9810326134 નંબર તેમજ રાજકોટ જિલ્લાના કંટ્રોલરૂમ નંબર (નાગરિકોની મદદ માટે) 0281-2471573 નંબર પર સંપર્ક કરી શકે છે, તેમ જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ જિલ્લાના કોઇપણ નાગરિકો હાલ નેપાળના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેમના સ્વજનો દ્વારા તુરંત હેલ્પલાઈન નંબર પર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત નેપાળના કાઠમંડુ ખાતે ફસાયેલા ભારતીય પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.