સી.પી. રાધાકૃષ્ણને ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

Spread the love

 

સી.પી. રાધાકૃષ્ણન શુક્રવારે ભારતના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સંક્ષિપ્ત સમારોહમાં ૬૭ વર્ષીય રાધાકૃષ્ણનને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ દરમિયાન, રાધાકૃષ્ણન લાલ કુર્તા પહેરીને ઈશ્વરના નામ પર અંગ્રેજીમાં શપથ લીધા હતા
નોંધનીય છે કે, રાધાકૃષ્ણનનો વિજય ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી સામે ૧૫૨ મતોના મોટા અંતરથી થયો હતો. જગદીપ ધનખરે ૨૧ જુલાઈના રોજ સ્વાસ્થ્યના કારણોસર અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી યોજવી જરૂરી બની હતી. રસપ્રદ વાત એ છે કે, જગદીપ ધનખર પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ તેઓ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા.
આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વેંકૈયા નાયડુ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સી.પી. રાધાકૃષ્ણનની રાજકીય સફર: ૨૦ ઓકટોબર, ૧૯૫૭ના રોજ તમિલનાડુના તિરુપુર ખાતે જન્મેલા સી.પી. રાધાકૃષ્ણન વ્યવસાય વ્યવસ્થાપનમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે. ૧૬ વર્ષની ઉંમરે આરએસએસના સ્વયંસેવક તરીકે તેમણે પોતાની સફર શરૂ કરી અને ૧૯૭૪માં ભારતીય જનસંઘની રાજ્ય કાર્યકારિણીના સભ્ય બન્યા. ૧૯૯૬માં તેઓ ભાજપની તમિલનાડુ એકમના સચિવ તરીકે નિયુક્ત થયા. તેઓ ૧૯૯૮ અને ૧૯૯૯માં કોયમ્બતૂર લોકસભા બેઠક પરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા, જોકે ત્યારબાદ તેમને સતત ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો હતો.
રાધાકૃષ્ણન એક ઉત્સાહી ખેલાડી પણ છે, જેઓ ટેબલ ટેનિસમાં કોલેજ ચેમ્પિયન અને લાંબા અંતરના દોડવીર રહ્યા છે. તમિલનાડુમાં તમામ પક્ષોમાં તેમનું સન્માન થાય છે, જેના કારણે ભાજપે તેમને ઘણા રાજ્યોના રાજ્યપાલ બનાવ્યા. તેમણે ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા અને અગાઉ લગભગ દોઢ વર્ષ સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. જ્યાં તેમને તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *