
જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જૂનાગઢ આવશે. અહીં તેઓ 41 જિલ્લા-મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન આપશે. બપોરે 1.15 વાગ્યે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે. જે બાદ બપોરે 2.30 વાગ્યે તેઓ જુનાગઢ પહોંચશે. જ્યાંથી તેઓ સીધા રોડમાર્ગે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમ પર પહોંચશે. આ પહેલા કાળવા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાશે. રાહુલ ગાંધીના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જુનાગઢથી પોરબંદર જવા રાહુલ ગાંધી રવાના થશે 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપનાર રાહુલ ગાંધીની છેલ્લા સાત મહિનામાં આ પાંચમી મુલાકાત છે. 26 જુલાઈએ આણંદમાં યોજાયેલી શિબિરમાં છેલ્લે હાજરી આપી હતી. તે પહેલા 7-8 માર્ચ દરમિયાન મુલાકાત લીધી હતી. છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધીની પાંચમી ગુજરાત મુલાકાત જેમા 7-8 માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સૌ કોઈનો મત જાણ્યો હતો. 8-9 એપ્રિલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી. 15-16 એપ્રિલ(ઓરિયેન્ટેશન) અમદાવાદ અને મોડાસા(સગંઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો) અને 26 જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો. બીજા દિવસે પ્રો. હેમંતકુમાર શાહ દ્વારા અર્થશાસ્ત્ર બાબતે પ્રમુખોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. હવે આજે ત્રીજા દિવસે રાહુલ ગાંદી શહેર-જિલ્લા પ્રમુખોને સંબોધશે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે અમે ગુજરાત જીતવા જઈ રહ્યા છીએ. અમને પણ ખબર નહોતી કે રાહુલ ગાંધી ગુજરાત ઉપર આટલું ફોકસ કરશે. જેના ભાગરૂપે આજે તેઓ જુનાગઢ આવી રહ્યા છે જેમનું સ્વાગત કરવા માટે તમામ કાર્યકર્તાઓ ઉત્સુક છે. તેઓ રાજ્યના જિલ્લા અને શહેર પ્રમુખોની સાથે રહેશે અને તેઓના કાર્યોનું મૂલ્યાંકન કરશે. પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું જ્યારે હવે માથા સાથે રાજ થાય છે. 52000 બુથ થકી લોકો સુધી કઈ રીતે પહોંચવું તેનું માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સક્રીયતાના કારણે કોંગ્રેસ ભાજપ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટી પણ ગુજરાતામાં મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ 2027ની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં જ હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ સંગઠનનું નવસર્જન કરાયું. હવે આ તમામ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપી આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 26 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ આણંદમાં યોજાયેલી શિબિરમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ હરાવીશું. આ નિવેદન દર્શાવે છે કે, કોંગ્રેસ ગુજરાતમાં સત્તાધારી પક્ષને સખત ટક્કર આપવા માટે તૈયાર છે.