નેપાળ હિંસામાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો 51 થયો

Spread the love

 

 

નેપાળમાં કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાને 48 કલાક થઈ ગયા છે, પરંતુ વચગાળાના વડાપ્રધાન હજુ સુધી નક્કી થયા નથી. આજે સવારે 9 વાગ્યે આ અંગે ફરી વાતચીત શરૂ થવા જઈ રહી છે. ગઈકાલે આખો દિવસ ચાલી રહેલી ચર્ચાઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુશીલા કાર્કીને વચગાળાના પીએમ બનાવવા પર લગભગ સર્વસંમતિ છે, પરંતુ વર્તમાન સંસદ ભંગ કરવી કે નહીં તે અંગેની ચર્ચા અટકી ગઈ છે. વાતચીતમાં ભાગ લેનારા એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ પૌડેલ સંસદ ભંગ કરવા તૈયાર નથી. જોકે, કાર્કીએ દલીલ કરી છે કે પહેલા સંસદ ભંગ થવી જોઈએ. કારણ કે બંધારણ મુજબ, સંસદ અસ્તિત્વમાં હોય ત્યારે બિન-સાંસદ (જે સંસદનો સભ્ય નથી)ને વડાપ્રધાન બનાવી શકાતું નથી.
નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો પર વિશ્વની અપીલ જેમા નેપાળે અપીલ કરીને કહ્યુ, વિશ્વના ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શનો પર ચિંતા વ્યક્ત કરી છે અને દરેકને શાંતિ જાળવવા અપીલ કરી છે. તે બાદ ભારતે અપીલ કરી, કહ્યુ-અમે નેપાળની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. બધા મતભેદો વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. ત્યારબાદ ચીને અપીલ કરી કે- નેપાળ આપણો નજીકનો મિત્ર અને પાડોશી છે. મને ખાતરી છે કે નેપાળ પોતાના આંતરિક મામલાઓ જાતે જ સંભાળશે. તે બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ ઘટનાઓની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે,”લોકોના માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ”. અમેરિકા, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોના દૂતાવાસોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. તેમાં હિંસાની નિંદા કરવામાં આવી, પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી અને તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરવામાં આવી.
ભારત-નેપાળ સરહદ પર બેલહિયા ખાતે ભૈરહવા કસ્ટમ્સ ઓફિસે આંશિક રીતે કામગીરી ફરી શરૂ કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તોડફોડ અને આગચંપીને કારણે તે બંધ થઈ ગઈ હતી. કાર્યાલયના વડા શિવલાલ નૈઉપને જણાવ્યું હતું કે શુક્રવારે સવારથી ભારતમાંથી રસોઈ ગેસ, શાકભાજી અને ફળો જેવી આવશ્યક ચીજવસ્તુઓની આયાત ફરી શરૂ થઈ છે. તેમણે કહ્યું કે દેશની પરિસ્થિતિના આધારે અન્ય આયાત-નિકાસ પ્રવૃત્તિઓ પણ વધારવામાં આવશે. પ્રદર્શનોકર્તાઓએ ઓફિસના સાધનો, કમ્પ્યુટર, દસ્તાવેજો અને ફર્નિચરને આગ લગાવ્યા બાદ ઓફિસ બંધ કરવામાં આવી હતી. મોટાભાગના રેકોર્ડ નાશ પામ્યા હોવાથી હવે મેન્યુઅલ પેપરવર્ક દ્વારા સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. નૈઉપને જણાવ્યું હતું કે સંપૂર્ણ કામગીરી પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ નુકસાનને કારણે સામાન્ય કામગીરીમાં સમય લાગશે.
નેપાળના ચિતવનની ભરતપુર જેલમાંથી ભાગી ગયેલા 54 કેદીઓ સ્વેચ્છાએ પાછા ફર્યા છે. બુધવારે સવારે 740 કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. ચિતવન જિલ્લા જેલના વડા રવિન્દ્ર ધુંગાનાએ જણાવ્યું હતું કે ભાગી ગયેલા કેદીઓ ધીમે ધીમે આત્મસમર્પણ કરી રહ્યા છે, ઘણાને ફોન કોલ દ્વારા પાછા આવવાનું કહેવામાં આવ્યું હતું. ધુંગાનાએ કહ્યું, ‘બુધવારનું વાતાવરણ અલગ હતું. બધા ભાગી ગયા. હવે તેઓ પાછા ફરી રહ્યા છે, કદાચ તેમને લાગે છે કે સરકાર તેમને ક્યાંય છોડશે નહીં.’ કેદીઓએ જેલમાં તોડફોડ કરી અને મુખ્ય દરવાજા સહિત ઘણી જગ્યાએ આગ લગાવી, ત્યારબાદ નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના કર્મચારીઓએ તેમને ભાગવા દેવા પડ્યા. તે સમયે જેલમાં 740 કેદીઓ હતા, જેમાં 46 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને અશાંતિ વચ્ચે, કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જિલ્લામાં કર્ફ્યુ અને પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. નેપાળ સેનાએ ગુરુવારે એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. સેનાએ કહ્યું, “સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જિલ્લામાં પ્રતિબંધો અને કર્ફ્યુ ચાલુ રાખવા જરૂરી છે.” જોકે, આવશ્યક સેવાઓમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે જેથી લોકો તેમની દૈનિક જરૂરિયાતો માટે બહાર જઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *