
બુધવારે ટેક્સાસના ડલ્લાસમાં 50 વર્ષીય ભારતીય મૂળના ચંદ્રમૌલી નાગમલ્લૈયાની તેમની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તૂટેલા વોશિંગ મશીનના વિવાદ બાદ ચંદ્રમૌલીનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. ચંદ્રમૌલીએ તેમના સહકાર્યકર 37 વર્ષીય યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને તૂટેલી વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું ત્યારે ઝઘડો શરૂ થયો. ઝઘડો ટૂંક સમયમાં વધુ વકર્યો, અને માર્ટિનેઝે ચંદ્રમૌલી પર અનેકવાર ચાકુથી વાર કર્યો. ચંદ્રમૌલી મદદ માટે બૂમો પાડતો મોટેલના પાર્કિંગમાં દોડી ગયો, પરંતુ યોર્ડાનીસે તેનો પીછો કર્યો અને તેના પર છરી વડે હુમલો કર્યો. મોટેલના ફ્રન્ટ ઓફિસમાં રહેલા ચંદ્રમૌલીની પત્ની અને પુત્ર બહાર આવ્યા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ યોર્ડાનીસે તેમને ધક્કો મારીને દૂર કર્યા. પછી તેણે ચંદ્રમૌલીનું માથું કાપી નાખ્યું.
આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ કપાયેલા માથાને બે વાર લાત મારી રહ્યો છે અને પછી તેને કચરાપેટીમાં ફેંકી રહ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે નજીકના ડલ્લાસ ફાયર-રેસ્ક્યૂ કર્મચારીઓએ લોહીથી લથપથ યોર્ડાનીનો પીછો કર્યો હતો, ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. યોર્ડાનીસે હત્યામાં છરીનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે હુમલો પૂર્વયોજિત હતો કે નહીં. હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, “અમે ચંદ્રમૌલી નાગમલ્લૈયાના પરિવાર સાથે સંપર્કમાં છીએ અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. આરોપી ડલ્લાસ પોલીસની કસ્ટડીમાં છે. અમે આ મામલા પર નજર રાખી રહ્યા છીએ.”