
જેસ્મીન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેણે 57 કિલોગ્રામ કેટેગરીના ટાઈટલ મેચમાં પોલેન્ડની જુલિયા સ્ઝેરેમેટાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. પોલેન્ડની આ ખેલાડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કોઈપણ ભારતીય પુરૂષ ખેલાડીએ મેડલ નથી જીત્યો. 12 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે પુરૂષ બોક્સર મેડલ વિના પાછા ફર્યા છે. જદુમણિ સિંહને કઝાકિસ્તાનના સંજેર તાશ્કેનબેએ 4-0થી હરાવ્યો હતો.
જદુમણિની હાર સાથે, એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે ભારતીય પુરૂષ ટીમ ખાલી હાથે પરત ફરશે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર જેસ્મીન લેમ્બોરિયા 24 વર્ષની છે. તેનો જન્મ 30 ઓગસ્ટ, 2001ના રોજ હરિયાણાના ભિવાનીમાં થયો હતો.
તેણે આ વર્ષે વર્લ્ડ બોક્સિંગ કપ (અસ્તાના) માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેસ્મીને બર્મિંઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સ અને 2021 એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.