
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે વિવિધ સ્થળોએ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ભવ્ય શુભારંભ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, દેશભરમાં વડાપ્રધાનના જન્મદિવસે સામાજિક અને માનવતાવાદી કાર્યો થઈ રહ્યા છે, જે કરોડો ચહેરા પર ખુશી લાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ અભિયાનનો પ્રથમ તબક્કો 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં રાજ્યના 75 સ્થળોએ યોગ કેમ્પ યોજાશે. દરેક કેમ્પમાં 100થી વધુ નાગરિકો ભાગ લેશે અને યોગ સાથે ડાયટ પ્લાન તથા આયુર્વેદના ઉપયોગ અંગે નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. અભિયાનના ત્રણ તબક્કા મારફતે 2025ના અંત સુધી યોગને ઘરઘર પહોંચાડવાનો અને રાજ્યને મેદસ્વિતા મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.