
ગુજરાતમાં એક તરફ નવા પ્રદેશ પ્રમુખની પસંદગી મુદે લાંબા સમયથી સસ્પેન્સ ચાલી રહ્યું છે અને તેમાં હાલમાં જ ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આપણે ફરી બે વખત અહીં મળશું તેવા વિધાન કરીને સસ્પેન્સ વધાર્યુ હતું તેમાં તા. 18ના રોજ ફરી એક વખત ગાંધીનગરમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યોને તેમજ જિલ્લા અને મહાનગર પ્રમુખને તેડુ આવતા જ હવે પ્રદેશ પ્રમુખનું મુહૂર્ત આવ્યું હોવાની ચર્ચા ભાજપમાં શરૂ થઇ
આ તા.18ની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના ટોચના નેતાઓ હાજર રહેનાર છે તથા લગભગ ચાર કલાક ચાલનારી આ બેઠક માટે તમામ ગાંધીનગર પહોંચવા જણાવાયું છે. એક તરફ તા.22ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવી રહ્યા છે. તથા વડાપ્રધાન પણ ભાવનગર આવી રહ્યા છે.
આ તમામ મહાનુભાવોની મુલાકાત વચ્ચે ગાંધીનગરમાં બોલાવાયેલી બેઠકના એજન્ડામાં પક્ષ દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી પણ સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના એક સપ્તાહના કાર્યક્રમો આવતીકાલથી શરૂ થાય છે.
અને તેના 24 કલાકમાં ગાંધીનગરમાં બેઠકને મહત્વની ગણવામાં આવે છે.
સુત્રોના જણાવ્યા મુજબ એજન્ડામાં જો છેલ્લી ઘડીએ કોઇ આશ્ચર્ય ન નીકળે તો સંભવ છે કે સી આર પાટીલ વધુ એક હિન્ટ આપશે. બીજી તરફ પક્ષના સુત્રોએ કહ્યું કે આ બેઠકમાં પણ અગાઉની જેમ કોઇ રાષ્ટ્રીય એજન્ડા આગળ વધારવા જણાવાય તેવી ધારણા છે.