સાઉદી-PAK વચ્ચે સંરક્ષણ કરાર, પરમાણુ શસ્ત્રોના ઉપયોગ માટેની જોગવાઈ પણ સામેલ કરાઈ

Spread the love

 

ઓપરેશન સિંદૂરમાં કારમી હારનો સામનો કર્યા પછી પાકિસ્તાન તેના પાડોશી દેશો પાસેથી ભીગ માગી રહ્યું છે. તે રક્ષણ માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને તુર્કી તરફ વળી રહ્યું છે. દરમિયાન, ઇસ્લામિક રાષ્ટ્રના સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર હુમલો માનવામાં આવશે. સાઉદી પ્રેસ એજન્સી અનુસાર, બંને દેશે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ કરાર સુરક્ષા વધારવા અને વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ કરાર બંને દેશો વચ્ચે એક ડિફેન્સ કોર્પોરેશન પણ વિકસાવશે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના યામામા પેલેસમાં તેમની મુલાકાત દરમિયાન એમબીએસ અને શાહબાઝ શરીફે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વાત કરી. સાઉદીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ કરારમાં તમામ પ્રકારના લશ્કરી સહયોગને આવરી લેવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું જરૂર પડ્યે પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ પણ સામેલ છે, તો તેમણે ‘હા’માં જવાબ આપ્યો. શાહબાઝ શરીફની સાથે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર, નાયબ વડાપ્રધાન ઇશાક ડાર, સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ, નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચી ગયું છે. આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર પણ હાજર હતા.
એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે આ કરાર કોઈ ચોક્કસ દેશ કે ઘટના વિરુદ્ધ નથી થયો, પરંતુ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા ઊંડા સહયોગનો ઔપચારિક રૂપ છે. ઇઝરાયલે 9 સપ્ટેમ્બરના રોજ કતારની રાજધાની દોહામાં હમાસના વડા ખલીલ અલ-હૈયાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ-હૈયા બચી ગયા હતા, પરંતુ છ અન્ય લોકો માર્યા ગયા હતા. આ પછી 14 સપ્ટેમ્બરના રોજ, મુસ્લિમ દેશોના ઘણા નેતાઓ ઇઝરાયલ વિરુદ્ધ એક ખાસ બેઠક માટે દોહામાં ભેગા થયા. અહીં પાકિસ્તાને સૂચન કર્યું કે બધા ઇસ્લામિક દેશોએ નાટો જેવી સંયુક્ત ફોર્સની રચના કરવી જોઈએ. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન મોહમ્મદ ઇશાક ડારે એક જોઈન્ટ ડિફેન્સ ફોર્સની રચનાની શક્યતાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પરમાણુ શક્તિ ધરાવતો પાકિસ્તાન ઇસ્લામિક સમુદાય (ઉમ્માહ) પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવશે. અફઘાનિસ્તાન અને ઇરાકમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત ઝાલ્મય ખલીલઝાદે પણ આ કરાર પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કરાર ઔપચારિક “સંધિ” નથી, પરંતુ તેની ગંભીરતાને જોતાં તેને એક મોટી વ્યૂહાત્મક ભાગીદારી માનવામાં આવે છે. લીલઝાદે વધુમાં સવાલ કર્યો કે શું આ કરાર કતાર પર ઇઝરાયલી હુમલાનો પ્રતિભાવ હતો, કે શું તે લાંબા સમયથી ચાલી આવતી અફવાઓને સમર્થન આપે છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમમાં અઘોષિત ભાગીદાર હતું. ખલીલઝાદે પૂછ્યું કે શું કરારમાં ગુપ્ત કલમો છે, અને જો એમ હોય, તો તે શું છે? શું કરાર સૂચવે છે કે સાઉદી અરેબિયા હવે સંપૂર્ણપણે યુએસ સુરક્ષા ગેરંટી પર નિર્ભર રહેવા માગતું નથી? તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે એવાં પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ સિસ્ટમ છે જે સમગ્ર મધ્ય પૂર્વ અને ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સ સુધી પહોંચવા સક્ષમ શસ્ત્રો પણ વિકસાવી રહ્યું છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેનો આ કરાર 1970ના દાયકામાં ભારત અને તત્કાલીન સોવિયત સંઘ વચ્ચે થયેલા કરારની યાદ અપાવે છે. આ કરાર 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન ભારત માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરતો હતો. તે સમયે, દેશમાં ઈન્દિરા ગાંધી સત્તામાં હતા. તે યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારતનો સીધો વિરોધ કરી રહ્યું હતું. તેણે ભારત પર દબાણ લાવવા માટે પોતાનો સાતમો કાફલો હિંદ મહાસાગરમાં મોકલ્યો. યુદ્ધમાં પાકિસ્તાન સાથે સીધો યુએસનો વલણ યુદ્ધનો માર્ગ બદલી શક્યો હોત. ભારત એક મહત્વપૂર્ણ પડકારનો સામનો કરી શક્યું હોત. જો કે, સોવિયત સંઘ (હવે રશિયા) ઉભરી આવ્યું અને હિંદ મહાસાગરમાં ઊભું રહ્યું. આનાથી અમેરિકન કાફલાને પીછેહઠ કરવાની ફરજ પડી. આ સહાય માટે ભારત આજે પણ સોવિયેત યુનિયનનું ઋણી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને આજે પણ આ દૂરંદેશી સોદા માટે યાદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *