
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક અને વિનાશક બન્યું છે. બુધવારે ઇઝરાયેલી સેના ટેન્કો અને સૈનિકો સાથે ગાઝા શહેરમાં અંદર સુધીના વિસ્તારોમાં ઘૂસી ગઈ હતી, જેના પગલે ભયભીત થયેલા હજારો પેલેસ્ટિનિયન નાગરિકો પોતાનો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને ભાગી રહ્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ યુદ્ધમાં મૃત્યુ પામેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા ૬૫,૦૦૦ને વટાવી ગઈ છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવ છે.
વિવિધ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓ અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અનુસાર, ઇઝરાયેલી સેનાએ છેલ્લા કેટલાક દિવસોમાં ગાઝા શહેર પર હવાઈ હુમલા અને આર્ટિલરી ફાયરિંગ તેજ કરી દીધું છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો (આઈ ડી એફ)એ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ૧૫૦થી વધુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ જમીની સૈનિકોએ શહેરમાં પ્રવેશ કર્યો. આ હુમલાઓને કારણે ગાઝા શહેરના મોટાભાગના વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.
સ્થાનિક હોસ્પિટલોના અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારની રાત્રિના હુમલામાં જ મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૬ લોકો માર્યા ગયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મૃત્યુઆંક ૬૫,૦૬૨ પર પહોંચી ગયો છે અને ૧,૬૫,૬૯૭થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધુ હોવાની આશંકા છે.
ઇઝરાયેલી સેનાની આગેકૂચને કારણે ગાઝા શહેરમાં માનવતાવાદી સંકટ અત્યંત ગંભીર બન્યું છે. લોકો ખોરાક, પાણી અને દવા જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે વલખા મારી રહ્યા છે. સતત બોમ્બમારાને કારણે ફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે, જેના લીધે ઘાયલો માટે એમ્બ્યુલન્સ બોલાવવી પણ મુશ્કેલ બની છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધવિરામ માટેના પ્રયાસો છતાં ઇઝરાયેલે હમાસના ખાત્મા સુધી પોતાનું ઓપરેશન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. બીજી તરફ, પેલેસ્ટિનિયન નાગરિકો ભય અને અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે. હજારો પરિવારો દક્ષિણ તરફના સુરક્ષિત વિસ્તારોમાં હિજરત કરી રહ્યા છે. પરંતુ ત્યાં પણ પરિસ્થિતિ વિકટ બનેલી છે. આ યુદ્ધે ગાઝામાં અભૂતપૂર્વ વિનાશ વેર્યો છે અને લાખો લોકોને વિસ્થાપિત કર્યા છે.