
આપણા બધા લોકોનું બેંક એકાઉન્ટ હશે અને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સરકારી કે પ્રાઈવેટ બેંકમાં ખાતું ખોલાવવા માટે મિનિમમ બેલેન્સ મેઈન્ટેઈન કરવું પડે છે. પરંતુ શું તમને ખબર છે કે બેંકો આ મિનિમમ બેલેન્સના કેટલી ધૂમ કમાણી કરે છે? નહી ને? આ આંકડો સાંભળીને તમારી આંખો પહોળી ના થાય તો જ નવાઈ. દેશમાં આવેલી મોટાભાગની બેંકો દ્વારા મિનિમમ બેલેન્સની મગજમારી દૂર કરવામાં આવી છે તો બીજી બાજું કેટલીક બેંક એવી પણ છે કે જેઓ મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ના કરવા બદ્દલ ગ્રાહકોને દંડ ફટકારે છે. હાલમાં આઈસીઆઈસીઆઈ બેંકે મિનિમમ બેલેન્સની લિમિટ વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરી હતી. બાદમાં બેંક યુ-ટર્ન લઈને આ મર્યાદા ઘટાડીને ૧૫,૦૦૦ રૂપિયા કરી હતી.
વાત કરીએ છેલ્લાં પાંચ વર્ષની તો દેશની પબ્લિક સેક્ટરની બેંકોએ મિનીમમ બેલેન્સ ના રાખનારા ખાતાધારકો પાસેથી ૯,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ વાતનો ખુલાસો ખુદ રાજ્યના નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ સંસદમાં કર્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૪-૨૫ સુધી જાહેર ક્ષેત્રની બેંકોએ મિનીમમ બેલેન્સ ન રાખવા બદ્દલ ૮,૯૩૨.૯૮ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. કઈ બેંકે કેટલા રૂપિયાની કમાણી કરી એની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ઈન્ડિયન બેંકે સૌથી વધુ એટલે કે ૧,૮૨૮ કરોડ રૂપિયા, પંજાબ નેશનલ બેંકે ૧,૬૬૨ કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડાએ ૧,૫૩૧ કરોડ રૂપિયા, કેનેરા બેંકે ૧,૨૧૨ કરોડ રૂપિયા અને બેંક ઓફ ઈન્ડિયાએ ૮૦૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. બેંકમાં રાખવાના મિનીમમ બેલેન્સની વાત કરીએ તો આ એક એવી રકમ છે કે જે દર મહિને ખાતાધારકે પોતાના એકાઉન્ટમાં રાખવી પડે છે. જો આ રકમ ઓછી હોય તો બેંક ખાતાધારકને દંડ ફટકારે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ દંડની રકમ અલગ અલગ હોઈ શકે છે.