
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટ વિસ્તારમાં મંગળવારે 20 દિવસથી ગુમ થયેલા સાતમા ધોરણના વિદ્યાર્થિનીનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ એક કોથળામાં મળી આવ્યો હતો. બોડીના ટુકડા કરીને પાણીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે વિદ્યાર્થિનીના સ્કૂલના શિક્ષક મનોજ કુમાર પાલની ધરપકડ કરી હતી.
વિદ્યાર્થિનીના પરિવારે આરોપી મનોજ કુમાર પાલને તેમની પુત્રીનું અપહરણ કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે શિક્ષક ઘણા દિવસોથી છોકરીનું યૌન શોષણ કરી રહ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ, છોકરીના માતા-પિતાએ ફરિયાદ કરી હતી કે શિક્ષકે તેમની પુત્રીને ઘણી વખત ખોટી રીતે અડપલા કર્યા હતા. છોકરીએ પોતે તેની માતાને આ વિશે જણાવ્યું હતું. તે ગુમ થયા પછી, વિદ્યાર્થિનીની માતાએ પોલીસને આ બાબતની જાણ કરી. પીડિતાના પરિવારના વકીલ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે, “અમને શંકા છે કે છોકરીની હત્યા કરવામાં આવી તે પહેલાં ઘણા દિવસો સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આની તપાસ કરવી જોઈએ.” દરમિયાન, બુધવારે આદિવાસી સમુદાયના સભ્યોએ રામપુરહાટ પોલીસ સ્ટેશનની બહાર કલાકો સુધી બેદરકારીનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું.
પીટીઆઈ અનુસાર, પોલીસે શિક્ષકની ભૂમિકા પર શંકા જતા તેની ધરપકડ કરી હતી. વ્યાપક પૂછપરછ બાદ, તેણે વિદ્યાર્થીના શરીરનું અપહરણ, હત્યા અને પછી તેના મૃતદેહને ઠેકાણે પાડવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની સામે હત્યાનો કેસ નોંધ્યો છે. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે છોકરી 28 ઓગસ્ટના રોજ ટ્યુશન ક્લાસમાં જવા માટે ઘરેથી નીકળી હતી. જ્યારે તે પાછી ન આવી, ત્યારે પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે શિક્ષક મનોજ કુમાર પાલે તેનું અપહરણ કર્યું છે.
મંગળવારે સવારે પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ શોધી કાઢ્યો. પોલીસ અધિક્ષક અમાનદીદે ફોન પર જણાવ્યું કે વિદ્યાર્થિનીના મૃતદેહના ટુકડા કરી પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જોકે, પરિવારે હજુ સુધી બળાત્કારનો કેસ નોંધાવ્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે શિક્ષકે વિદ્યાર્થિનીની હત્યા કેમ કરી અને હત્યા પહેલા તેણે તેનું યૌન શોષણ કર્યુ હતું કે કેમ. જોકે, મૃતદેહ કોહવાઈ જવાને કારણે તપાસમાં મુશ્કેલી પડી રહી છે. ધરપકડ કરાયેલ શિક્ષક નવ દિવસથી પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.