જૈશ-હિઝબુલના આતંકવાદીઓ હવે ખૈબરમાં બનાવી રહ્યા છે પોતાના ઠેકાણા : દાવો

Spread the love

 

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર હુમલાથી આતંકવાદીઓ નિરાશ થયા છે. હવે, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન ખૈબર પખ્તુનખ્વામાં નવા ઠેકાણા બનાવી રહ્યા છે. ભારતીય ડિફેન્સ અને લશ્કરી સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય હુમલાઓને કારણે આતંકવાદી જૂથો હવે PoKને અસુરક્ષિત માને છે. તેથી, અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વાના પર્વતીય વિસ્તારો તેમના માટે સલામત ઠેકાણાઓ બની ગયા છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સરકારી એજન્સીઓ આતંકવાદીઓને પીઓકેથી ખૈબર ખસેડવામાં મદદ કરી રહી છે. હાલમાં, જૈશ-એ-મોહમ્મદે પોલીસ સુરક્ષા હેઠળ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ રેલીઓ યોજી હતી, જેને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) જેવા રાજકીય-ધાર્મિક સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ, ભારતે બહાવલપુર, મુરીદકે અને મુઝફ્ફરાબાદ સહિત પાકિસ્તાનના સાત શહેરોમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઉડાવી દીધી હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ ઘટના 14 સપ્ટેમ્બરના રોજ ખૈબર પખ્તુનખ્વાના માનસેહરા જિલ્લાના ગઢી હબીબુલ્લાહ શહેરમાં બની હતી. અહીં, જૈશે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ શરૂ થવાના લગભગ સાત કલાક પહેલા ધાર્મિક કાર્યક્રમના નામે ભરતી અભિયાન શરૂ કર્યું હતું. આ કાર્યક્રમ ખૈબર અને કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના સીનિયર કમાન્ડર મૌલાના મુફ્તી મસૂદ ઇલ્યાસ કાશ્મીરી ઉર્ફે અબુ મોહમ્મદની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા દ્વારા કરવામાં આવ્યું હતું. ઇલિયાસ કાશ્મીરીએ ઓસામા બિન લાદેનની પ્રશંસા કરી હતી. ઇલિયાસને ભારતમાં એક હાઈ-વેલ્યુ ટારગેટ વોન્ટેડ આતંકવાદી માનવામાં આવે છે. તે જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો નજીક છે. M4 રાઇફલ્સથી સજ્જ અને પોલીસ સુરક્ષા હેઠળ જૈશ કેડર સાથે આ કાર્યક્રમમાં ઇલ્યાસની હાજરી, પાકિસ્તાન સરકારના જૈશ-એ-મોહમ્મદને સમર્થન દર્શાવે છે.

હાલમાં જૈશ-એ-મોહમ્મદે પણ પહેલી વાર સ્વીકાર્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં તેના નેતા મૌલાના મસૂદ અઝહરના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા હતા. જૈશ કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહે છે કે 7 મેના રોજ બહાવલપુરમાં અઝહરના પરિવારના સભ્યોના ટુકડે ટુકડા થઈ ગયા હતા. બહાવલપુરમાં ભારતીય સેનાના હુમલામાં મસૂદના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા. ચાર સાથીઓ પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં મસૂદની મોટી બહેન અને તેનો પતિ, તેનો ભત્રીજો અને તેની પત્ની, અને એક ભત્રીજી અને તેના પાંચ બાળકોનો સમાવેશ થાય છે. હુમલા સમયે મસૂદ ઘટનાસ્થળે હાજર નહોતો અને તેથી તે બચી ગયો. પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર 2001માં ભારતીય સંસદ પર થયેલા હુમલા અને 2016માં પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તેણે 2005માં અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ અને 2019માં પુલવામામાં CRPF જવાનો પર થયેલા હુમલાનું પણ આયોજન કર્યું હતું. તે 2016માં ઉરી હુમલા અને અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફમાં ભારતીય કોન્સ્યુલેટ પર થયેલા હુમલા માટે પણ જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *