
નવરાત્રિમાં ઓગણજ પાસે આવેલા શેરી સર્કલ ગરબામાં એક યુવકની કારનો કાચ તોડીને ગઠીયાઓ ઘડીયાળ, મોબાઈલ અને પાંચ હજાર રોકડ સહિત કુલ 31 હજારના સરસમાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે યુવકે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કલોલમાં રહેતા મીનલ મિસ્ત્રીએ સોલા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. મીનલ મિસ્ત્રી ગાંધીનગરની આઈટી કંપનીમાં સીનીયર ડેવલોપર તરીકે નોકરી કરે છે. પહેલા નોરતે મીનલે પત્ની સાથે ઓગણજ ખાતે આવેલા શેરી સર્કલ ગરબામાં જવાનો પ્લાનીગ કર્યો હતો. દંપતી પોતાની કાર લઈને ગરબામાં આવ્યા હતા જ્યા તેમને પાર્કિગમાં કાર પાર્ક કરી હતી.
કારમાં મીનલે 16 હજારની કિંમતની ફોસીલ કંપનીની ઘડીયાળ, પાંચ હજાર રોકડા તેમજ એક મોબાઈલ મુક્યો હતો. મીનલ પત્ની તેમજ પોતાના ગ્રુપ સાથે ગરબામાં મસ્ત હતા ત્યારે ગઠીયાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ગઠીયાએ પાર્કિગમાં જઈને કારનો કાચ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ તેમા રહેલી રોકડ, ઘડીયાળ, ડોક્યુમેન્ટ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
રાતે દોઢ વાગ્યે ગરબા પુરા થઈ જતા મીનલ અર્પીતા સાથે પોતાની કાર પાસે આવ્યો હતો જ્યા કાચ તુટેલા જોઈને તે ચોંકી ગયો હતો. મીનલ તરત જ કાર લઈને તેના ઘરે આવી ગયો હતો અને બીજા દિવસે ફરિયાદ કરવા માટે સોલા પોલીસ સ્ટેશનમાં પહોચી ગયો હતો. સોલા પોલીસે આ મામલે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.