25 સપ્ટેમ્બર, 2025: મધ્ય પ્રદેશ રાજ્ય સડક પરિવહન નિગમ (MPSRTC)ના પૂર્વ બિલિંગ આસિસ્ટન્ટ જાગેશ્વર પ્રસાદ અવધિયાને 39 વર્ષની લાંબી લડાઈ બાદ આખરે ન્યાય મળ્યો છે. 1986માં 100 રૂપિયાની લાંચના કેસમાં લોકાયુક્તના છટકામાં ફસાયેલા અવધિયાને 2004માં નીચલી કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જોકે, હવે છત્તીસગઢ હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.
હાઈકોર્ટે અપૂરતા પુરાવા અને તપાસમાં રહેલી ખામીઓના આધારે નીચલી અદાલતનો ચુકાદો રદ કર્યો. કોર્ટે અવલોકન કર્યું કે જ્યાં સુધી લાંચની માંગ અને સ્વેચ્છાએ સ્વીકૃતિ સાબિત ન થાય, ત્યાં સુધી માત્ર નોટોની જપ્તી દોષ સાબિત કરવા માટે પૂરતી નથી. પરંતુ, જીવનના અંતિમ તબક્કે પહોંચેલા અવધિયા માટે આ વિજય એક પોકળ સાબિત થઈ છે.
39 વર્ષના કેસમાં જીવનની ખુશીઓ ગુમાવી
આ મામલો ત્યારે શરૂ થયો, જ્યારે સહકર્મચારી અશોક કુમાર વર્માએ અવધિયા પર બાકી ચૂકવણી માટે 100 રૂપિયાની લાંચનો આરોપ લગાવ્યો. લોકાયુક્તે ફિનોલ્ફ્થલીન પાવડર લગાવેલી નોટો સાથે છટકું ગોઠવ્યું હતું. અવધિયાનો દાવો હતો કે, નોટો તેમની ખિસ્સામાં જબરદસ્તીથી મૂકવામાં આવી હતી. તેમ છતાં, આ જપ્તીને ગુનાનો પુરાવો માનીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. લગભગ ચાર દાયકા સુધી ચાલેલી આ કાનૂની લડાઈએ તેમનું કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન બરબાદ કરી નાખ્યું.
‘ન્યાય મળ્યો, પણ મારા માટે નહીં’
જાગેશ્વર અવધિયાએ દુઃખી સ્વરે જણાવ્યું, ‘સસ્પેન્શન પછી અડધા પગારને કારણે હું મારા બાળકોને સારી શાળાઓમાં ભણાવી શક્યો નહીં. જે મળતું તેમાં જ ગુજરાન ચલાવવું પડ્યું. દીકરીઓના લગ્ન પણ મુશ્કેલ હતા, કારણ કે પરિવારે સાથ ન આપ્યો. હવે હું મારા સૌથી નાના દીકરા નીરજ માટે નોકરી ઇચ્છું છું, કારણ કે બેરોજગારીને કારણે તેના લગ્ન થઈ શક્યા નથી. તેનો અભ્યાસ સૌથી વધુ પ્રભાવિત થયો.’
ન્યાયતંત્રમાં સુધારાની માંગ અને વળતરની અપીલ
અખિલેશે કહ્યું કે, ‘ગુમાવેલા સમયની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી. હું ઈચ્છું છું કે ન્યાયતંત્રમાં સુધારો થાય, જેથી ભવિષ્યમાં કોઈ આવી સ્થિતિ ન ભોગવે. સાથે જ, હું સરકારને વિનંતી કરું છું કે સસ્પેન્શનને કારણે થયેલા નુકસાનની ભરપાઈ માટે મારા પિતાને વળતર આપવામાં આવે, જેથી તેઓ શાંતિથી જીવન જીવી શકે.’