
ગાંધીનગરના કુડાસણ રીલાયન્સ ચોકડી નજીક ગઈકાલ શનિવારે રાત્રે દોઢ વર્ષ જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. નખત્રાણા (કચ્છ) માં થયેલા જૂના ઝઘડાના સમાધાન માટે બોલાવીને એક જૂથે લોખંડની પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. દોઢેક વર્ષ પહેલાં કચ્છમાં મિત્ર દેવેન્દ્રસિંગ રાવત સાથે કામ બાબતે ઝઘડો થયો હતો
ગાંધીનગરના કુડાસણમાં આવેલી શ્રી દેવ ફરાળીની દુકાનમાં રહેતા મનીપસિંગ મખનર્સિંગ રાવતને દોઢેક વર્ષ પહેલાં નખત્રાણા (કચ્છ) માં તેના મિત્ર દેવેન્દ્રસિંગ રાવત વચ્ચે કામ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મનીપસિંગ નોકરી છોડીને ઘરે જતો રહ્યો હતો. બાદમાં ગત.15 સપ્ટેમ્બરથી મનીપે અત્રેની શ્રી દેવ ફરાળીની દુકાનમાં નોકરી શરૂ કરી હતી. ત્યારે ગઈકાલે રાત્રે દેવેન્દ્રસિંગના મિત્રો શિવસિંગ અને નરપતસિંગ મનીપસિંગની દુકાન પર ગયા હતા.અને મનીપને જૂના ઝઘડા બાબતે વાત કરી અર્બનીરાયા હોટલ પાસે બોલાવ્યો હતો. આથી સમાધાનના ઇરાદે મનીપ તેના શેઠ પંકજ પ્રજાપતિ તેમજ મિતેશ દિલીપસિંગ રાવત, સુરેશ વણઝારા અને રાહુલ વણઝારા સાથે અર્બનીરાયા હોટલ પાસે ગયો હતો.
જ્યાં તેઓ ઊભા હતા તે દરમિયાન દેવેન્દ્રસિંગ રાવત સહિત કુલ આઠ જેટલા લોકો લોખંડની પાઇપ, છરી, લોખંડના સળિયા અને લાકડાના ડંડા જેવા હથિયારો સાથે એકસંપ થઈને ધસી આવ્યા હતા. જેથી મનીપસિંગે જૂની વાત ભૂલીને શાંતિથી નોકરી કરવાની વાત કરી હતી.પરંતુ દેવેન્દ્રસિંગે ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન મનીપસિંગને બચાવવા વચ્ચે પડેલા સુરેશ વણઝારાના માથામાં દેવેન્દ્રસિંગે લોખંડની પાઇપ મારી દીધી હતી, જેનાથી તે નીચે પડી ગયો હતો. ત્યાર બાદ ધીરજસિંગ નામના શખસે સુરેશભાઈને મારી નાખવાના ઈરાદે પીઠ પર છરીના ઘા માર્યા હતા. જ્યારે બાકીના આરોપીઓએ પણ હથિયારો વડે સુરેશ વણઝારા પર હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે બૂમાબૂમ થતાં મનીપસિંગ અને તેની સાથેના લોકોએ વચ્ચે પડીને સુરેશને વધુ મારથી છોડાવ્યો હતો. બાદમાં જતા પહેલાં દેવેન્દ્રસિંગે આજ તો તમને જવા દઈએ છીએ, જો તું અહીં ગુજરાતમાં રહીશ તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપી હતી. આ બનાવના પગલે અત્રેના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બાદમાં ઘાયલ સુરેશ વણઝારાને તાત્કાલિક 108 દ્વારા પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, આ મામલે મનીપસિંગની ફરિયાદના આધારે દેવેન્દ્રસિંગ રાવત, ધીરજસિંગ, શિવસિંગ, નરપતસિંગ, ત્રિકમસિંગ, ઇશ્વરસિંગ, હેમેન્દ્રસિંગ સહિત અન્ય પાંચ-છ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.