
ગાંધીનગર નવા સચિવાલયના ગેટ નંબર-3 સામે પોલીસ ભવન સર્કલથી છ-5 તરફ જતા રોડ પર ગત બુધવારે બાઇક સ્લીપ થઈ જવાથી ગંભીર ઇજાગ્રસ્ત 42 વર્ષીય યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગે સેકટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાનુની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના બોરીજ ગામના ઠાકોર વાસમાં રહેતા કાન્તિજી વરવાજી ઠાકોરનો 42 વર્ષીય પુત્ર રાજુભાઈ ઠાકોર અગાઉ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ સેક્ટર-23 ખાતે પટાવાળા તરીકે નોકરી કરતા હતા. જેઓ ગત તા.24 સપ્ટેમ્બરને બુધવારના રોજ બપોરે પોતાનું બાઇક લઈને નવા સચિવાલય ગેટ નંબર-3ની સામે પોલીસ ભવન સર્કલથી છ-5 તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માત બાદ એક અજાણ્યા વ્યક્તિએ રાજુભાઈના મોબાઈલ પરથી તેમના સહકર્મી કિશોરભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. બાદમાં પરિવારજનો તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં રાજુભાઈ બેભાન અવસ્થામાં હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ડોક્ટરોએ જરૂરી રિપોર્ટ્સ બાદ તેમના માથાના અંદરના ભાગે હેમરેજ થયું હોવાનું જણાવ્યું હતું. અને વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે રાજુભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, રાજુભાઈ બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્લીપ ખાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે તેમને માથાના અંદરના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.