
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં H-1B વિઝા ફીમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ભારતીયો પર પડે છે, કારણ કે યુએસમાં 70 ટકાથી વધુ H-1B વિઝા ધારકો ભારતીય છે. જોકે, ઉદ્યોગ નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ હવે કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને સીધો ફાયદો થશે.
નિષ્ણાતોના મતે, H-1B વિઝા ફીમાં નોંધપાત્ર વધારા બાદ યુએસ કંપનીઓ ઓફશોરિંગ કામગીરી માટે અને દેશના ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ (GCC)નો લાભ લેવા માટે ભારત તરફ વધુ વળાંક લઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જેમાં વિદેશથી કુશળ કારીગરો માટે નવી H-1B અરજીઓ પર 100,000 ડોલર (આશરે રૂપિયા 88 લાખ) ફી લાદવામાં આવી હતી. આ અગાઉની ફી કરતાં લગભગ 70 ગણી વધારે છે, જે 1,500-4,000 ડોલર (રૂપિયા 2-4 લાખ) સુધીની હતી.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા પર પ્રતિબંધ મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં અમેરિકનોની નોકરી ગુમાવવાની ચિંતા અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઉદ્યોગમાં નોંધપાત્ર મૂંઝવણ ઊભી થઈ છે. શરૂઆતમાં ઓર્ડરમાં સ્પષ્ટતાના અભાવે મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓને તાત્કાલિક યુએસ પાછા ફરવાની અને દેશ ન છોડવાની સલાહ આપી હતી. જો કે, પછીથી સ્પષ્ટ થયું કે આ નિર્ણય ફક્ત નવી વિઝા અરજીઓ પર જ લાગુ પડશે.
રોઇટર્સના અહેવાલ મુજબ, વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા, ભારતમાં 1,700 GCC છે, જે વૈશ્વિક કુલના અડધાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે. આ GCCs તેમની ટેક સપોર્ટ ક્ષમતાઓથી આગળ વધીને લક્ઝરી કાર ડેશબોર્ડ ડિઝાઇનથી લઈને ડ્રગ ડિસ્કવરી સુધીના ક્ષેત્રોમાં હાઈ-વેલ્યુની નવીનતાના સેન્ટર બન્યા છે.
ભારતીય GCCs, તેમના વૈશ્વિક નિષ્ણાતો અને મજબૂત સ્થાનિક નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ વ્યવસાયિક કામગીરી માટે કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે. ડેલોઇટ ઇન્ડિયાના ભાગીદાર અને GCC ઉદ્યોગ નેતા રોહન લોબોએ જણાવ્યું હતું કે ભારતીય GCCs અમેરિકન કંપનીઓ માટે વ્યૂહાત્મક પરિવર્તન લાવવા માટે તૈયાર છે.
રોયટર્સે રોહન લોબોને ટાંકીને કહ્યું હતું કે, GCCs ખાસ કરીને આ સમય માટે રચાયેલ છે. તેઓ ઇન-હાઉસ એન્જિન તરીકે કામ કરે છે. લોબોએ કહ્યું કે ઘણી યુએસ કંપનીઓ પહેલેથી જ તેમની કાર્યબળ જરૂરિયાતોનું પુનર્મૂલ્યાંકન કરી રહી છે અને ભારતમાં સ્થળાંતર કરવાની યોજના બનાવી રહી છે. રોયટર્સ રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું કે આવા ફેરફારો માટેની યોજનાઓ પહેલાથી જ ચાલી રહી છે. નાણાકીય સેવાઓ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને યુએસ ફેડરલ કોન્ટ્રાક્ટમાં સામેલ કંપનીઓમાં. રોઇટર્સના અહેવાલ મુજબ, જો ટ્રમ્પના વિઝા પ્રતિબંધોને પડકારવામાં નહીં આવે, તો ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે યુએસ કંપનીઓ GCCમાં AI, ઉત્પાદન વિકાસ, સાયબર સુરક્ષા અને વિશ્લેષણ સંબંધિત ઉચ્ચ-સ્તરીય કાર્ય ભારતમાં સ્થાનાંતરિત કરશે અને વ્યૂહાત્મક કાર્યોને આઉટસોર્સ કરવાને બદલે સ્થાનિક સ્તરે રાખવાનું પસંદ કરશે.