
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરના સેક્ટર 24 સ્થિત ક્વાર્ટરમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે તપાસ કરી રહેલી પોલીસે પ્રેમ પ્રકરણમાં મહિલા કોન્સ્ટેબલનું મોંઢું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગરના સેક્ટર 24માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટરના બ્લોક નંબર 752ના એક મકાનમાંથી એક 32 વર્ષીય મહિલાની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતની જાણ થતાં સેક્ટર 21ની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી યુવતી તરીકે થઈ હતી. આ ક્વાર્ટરમાં મૃતક યુવતી પોતાના પાક્ય પુસ્તક મંડળમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા પોતાના ભાઈ સહિતના પરિવાર સાથે રહેતી હતી. જો કે તેના ભાઈ-ભાભી નવરાત્રિ નિમિત્તે માતાજીનું નૈવેદ્ય કરવાનું હોવાથી સહપરિવાર પોતાના વતન ભાવનગરના ગારિયાધાર ગયા હતા. જ્યાંથી આજે સવારે ભાઈ ફોન કર્યો હતો, પરંતુ બહેન ફોન ઉપાડતી ના હોવાથી તેમને પાડોશીને તપાસ કરવા જણાવ્યું હતુ. પાડોશીએ ઘર ખોલીને અંદર જોતા યુવતી નિર્વસ્ત્ર હાલતમાં પડેલી હતી. આથી તેમણે તાત્કાલિક ઈમરજન્સી સર્વિસને ફોન કરતાં આવી પહોંચેલી ટીમે યુવતીને મૃત જાહેર કરી હતી.
આ મામલે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને મહિલા કોન્સ્ટેબલના હત્યારાને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. મૃતક મહિલા કોન્સ્ટેબલના કોલ ડિટેલ્સ ચેક કરતાં એક શંકાસ્પદ નંબર મળી આવ્યો છે. જે હાલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. જ્યારે એક શંકાસ્પદ શખ્સ મહિલા કોન્સ્ટેબલના ઘરે આવ્યો હોવાના પુરાવા મળતા તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે.