એવા સમયે જ્યારે મોટાભાગના લોકો લખવા માટે કીબોર્ડનો ઉપયોગ કરે છે, શું હસ્તલેખન ખરેખર મહત્ત્વનું છે?
કોર્ટમાં આવેલા એક કેસથી આ મુદ્દો ચર્ચાયો હતો.
ઘણા ડૉકટરોના હસ્તાક્ષર કે જે ફક્ત ફાર્માસિસ્ટ જ સમજી શકે છે, તે અંગે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ખૂબ મજાક થાય છે.
પરંતુ તાજેતરમાં સ્પષ્ટ હસ્તાક્ષરના મહત્ત્વ પર ભાર મૂકતો આદેશ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે “સુવાચ્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન એ મૂળભૂત અધિકાર છે” કારણ કે તે જીવન અને મૃત્યુ સાથે સંબંધિત છે.
કોર્ટનો આ આદેશ એવા કેસમાં આવ્યો હતો જેનો લેખિત શબ્દ સાથે કોઈ સંબંધ નહોતો. તેમાં એક મહિલા દ્વારા બળાત્કાર, છેતરપિંડી અને બનાવટના આરોપો હતા અને જસ્ટિસ જસગુરપ્રીત સિંહ પુરી જામીન માટે પુરુષની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે વ્યક્તિએ તેમને સરકારી નોકરીનું વચન આપીને પૈસા લીધા હતા, તેમની સાથે નકલી ઇન્ટરવ્યુ લીધા હતા અને તેમનું જાતીય શોષણ કર્યું હતું.
આરોપીઓએ આરોપોનો ઇનકાર કર્યો – તેમણે કહ્યું કે તેમની વચ્ચે સંમતિથી સંબંધ હતો અને પૈસાના વિવાદને કારણે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ન્યાયાધીશ પુરીએ કહ્યું કે જ્યારે તેમણે મહિલાની તપાસ કરનાર સરકારી ડૉક્ટર દ્વારા લખાયેલો મેડિકો-લીગલ રિપોર્ટ જોયો ત્યારે તેમને તે સમજાતું ન હતું.
“આનાથી કોર્ટના અંતરાત્માને હચમચી ગયો હતો કારણ કે એક પણ શબ્દ કે અક્ષર વાંચી શકાયો ન હતો,” તેમણે આદેશમાં લખ્યું.
બીબીસીએ ચુકાદાની એક નકલ જોઈ છે જેમાં રિપોર્ટ અને બે પાનાનું પ્રિસ્ક્રિપ્શન સામેલ છે જેમાં ડૉક્ટરનું વાંચી ન શકાય તેવું લખાણ દેખાય છે.
ડૉકટરોના હસ્તાક્ષર કેમ નબળા હોય છે?
Chilukuri Paramathamaગયા વર્ષે મધ્યપ્રદેશ રાજ્યમાં એક ભારતીય ડૉક્ટર દ્વારા વાંચી ન શકાય તેવું પ્રિસ્ક્રિપ્શન વાયરલ થયું હતું
જસ્ટિસ પુરીએ લખ્યું, “એવા સમયે જ્યારે ટેકનૉલૉજી અને કૉમ્પ્યુટર સરળતાથી સુલભ છે, ત્યારે એ આઘાતજનક છે કે સરકારી ડૉકટરો હજુ પણ હાથથી પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યા છે જે કદાચ કેટલાક ફાર્માસિસ્ટ સિવાય કોઈ વાંચી શકતું નથી.”
કોર્ટે સરકારને મેડિકલ સ્કૂલના અભ્યાસક્રમમાં હેન્ડરાઇટિંગ લેસનનો સમાવેશ કરવા અને ડિજિટાઇઝ્ડ પ્રિસ્ક્રિપ્શનો રજૂ કરવા માટે બે વર્ષની સમયમર્યાદા નક્કી કરવા જણાવ્યું હતું.
જસ્ટિસ પુરીએ કહ્યું કે, જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી, બધા ડૉકટરોએ પ્રિસ્ક્રિપ્શનો મોટા અક્ષરોમાં સ્પષ્ટ રીતે લખવા જોઈએ.
3,30,000થી વધુ ડૉકટરો ધરાવતા ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશનના પ્રમુખ ડૉ. દિલીપ ભાનુશાલીએ બીબીસીને જણાવ્યું કે તેઓ સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરવા તૈયાર છે.
તેઓ કહે છે કે શહેરો અને મોટાં શહેરોમાં, ડૉકટરો ડિજિટલ પ્રિસ્ક્રિપ્શન તરફ વળ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારો અને નાનાં શહેરોમાં સ્પષ્ટ પ્રિસ્ક્રિપ્શન મેળવવા ખૂબ મુશ્કેલ છે.
તેઓ કહે છે, “એ એક જાણીતી હકીકત છે કે ઘણા ડૉકટરોના હસ્તાક્ષર નબળા હોય છે, પરંતુ તેનું કારણ એ છે કે મોટાભાગના તબીબી પ્રેક્ટિશનરો ખૂબ જ વ્યસ્ત હોય છે, ખાસ કરીને ઓવરક્રાઉડેડ સરકારી હૉસ્પિટલોમાં.”
“અમે અમારા સભ્યોને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાની અને દર્દીઓ અને ફાર્માસિસ્ટ બંને માટે વાંચી શકાય તેવા બોલ્ડ અક્ષરોમાં પ્રિસ્ક્રિપ્શન લખવાની ભલામણ કરી છે.”
તેઓ ઉમેરે છે કે, “એક ડૉક્ટર જે દિવસમાં સાત દર્દીઓને જુએ છે કે તે કરી શકે છે, પરંતુ જો ડૉકટર દિવસમાં 70 દર્દીઓને તપાસે છે, તો તેના માટે મુશ્કેલ છે.”
ખરાબ હસ્તાક્ષરને કારણે મૃત્યુ
Getty Imagesડૉક્ટરોના ખરાબ હસ્તાક્ષર વિશે ખૂબ રમૂજ થાય છે
આ પહેલી વાર નથી જ્યારે કોઈ ભારતીય કોર્ટે ડૉકટરોના ખરાબ હસ્તાક્ષર પર ટીકા કરી હોય.
ભૂતકાળમાં ઓડિશા રાજ્યની હાઇકોર્ટે “ડૉકટરો દ્વારા લખવાની ઝિગઝેગ શૈલી” પર નિશાન સાધ્યું હતું.
નિષ્ણાતો કહે છે કે તેમના હસ્તાક્ષર પર ઍસ્થેટીક્સનો કોઈ ભાર નથી, પરંતુ એક તબીબી પ્રિસ્ક્રિપ્શન અસ્પષ્ટતા હોય તો ખોટું અર્થઘટન થાય છે તેના ગંભીર – દુ:ખદ – પરિણામો આવી શકે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિન (IoM) ના 1999 ના અહેવાલ મુજબ , તબીબી ભૂલોને કારણે યુ.એસ.માં વાર્ષિક ઓછામાં ઓછા 44,000 અટકાવી શકાય તેવાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી 7,000 મૃત્યુ અતિ ખરાબ હસ્તાક્ષરને કારણે થયા હતા.
તાજેતરમાં જ, સ્કૉટલૅન્ડમાં એક મહિલાને ડ્રાય આયની સ્થિતિ માટે ભૂલથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન ક્રીમ આપવામાં આવતા તેને કેમિકલ ઈજાઓ થઈ હતી .
યુકેમાં આરોગ્ય અધિકારીઓએ સ્વીકાર્યું છે કે “દવાની ભૂલોને કારણે ભયાનક નુકસાન અને મૃત્યુ થયાં છે” અને ઉમેર્યું છે કે “વધુ હૉસ્પિટલોમાં ઇલેક્ટ્રોનિક પ્રિસ્ક્રાઇબિંગ સિસ્ટમ્સનો અમલ કરવાથી ભૂલોમાં 50 ટકા ઘટાડો થઈ શકે છે”.
ભારત પાસે ખરાબ હસ્તાક્ષરથી થતા નુકસાન અંગે કોઈ મજબૂત ડેટા નથી, પરંતુ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ભૂતકાળમાં પ્રિસ્ક્રિપ્શનના ખોટા અર્થઘટનના કારણે હેલ્થ ઇમરજન્સી અને ઘણાં મૃત્યુ થયાં છે.
‘હસ્તલિખિત પ્રિસ્ક્રિપ્શન પર પ્રતિબંધ મૂકો’
Chilukuri Paramathamaપ્રિસ્ક્રિપ્શનના ખોટા અર્થઘટનને થતાં મૃત્યુ એક ગંભીર મુદ્દો છે
આંચકી આવવાની બીમારીથી પીડિત એક મહિલાએ ડૉકટરોએ લખેલા પ્રિસ્ક્રિપ્શનથી ડાયાબિટીસની દવા લઈ લીધી હતી.
દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યના નાલગોંડા શહેરમાં ફાર્મસી ચલાવતા ચિલુકુરી પરમાથમાએ બીબીસીને જણાવ્યું કે 2014માં, નોઇડા શહેરમાં તાવ માટે ખોટા ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હોવાના સમાચાર વાંચ્યા પછી તેમણે હૈદરાબાદની હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
હસ્તલિખિત પ્રિસ્ક્રિપ્શનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તેમની ઝુંબેશને 2016 માં સફળતા મળી જ્યારે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ આદેશ આપ્યો કે “દરેક ડૉકટરે સામાન્ય નામો સાથે અને પ્રાધાન્યમાં મોટા અક્ષરોમાં દવાઓ લખવી જોઈએ”.
2020માં, ભારતના જુનિયર આરોગ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ સંસદમાં જણાવ્યું હતું કે રાજ્યોમાં મેડિકલ અધિકારીઓને “આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ડૉક્ટર સામે શિસ્તભંગના પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.”
પરંતુ લગભગ એક દાયકા પછી, શ્રી ચિલુકુરી અને અન્ય ફાર્માસિસ્ટ કહે છે કે તેમની દુકાનોમાં ખરાબ રીતે લખેલાં પ્રિસ્ક્રિપ્શનો આવવાનું ચાલુ રહે છે.
શ્રી ચિલુકુરીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયેલાં ઘણાં પ્રિસ્ક્રિપ્શનો બીબીસીને મોકલ્યાં છે જેને તેઓ પણ સમજી શક્યા નથી.
કોલકાતા શહેરની સૌથી જાણીતી ફાર્મસીઓમાંની એક, ધનવંતરીના સીઈઓ રવિન્દ્ર ખંડેલવાલ, જે પશ્ચિમ બંગાળના શહેરો, નગરો અને ગામડાંને આવરી લે છે અને દરરોજ 4,000 થી વધુ ગ્રાહકોને સેવા આપે છે, કહે છે કે કેટલીકવાર તેમની પાસે આવતાં પ્રિસ્ક્રિપ્શનો વાંચવાલાયક ન હોય તેવાં હોય છે.
“વર્ષોથી, આપણે શહેરોમાં હસ્તલિખિતથી છાપેલા પ્રિસ્ક્રિપ્શનો તરફ પરિવર્તન જોયું છે, પરંતુ ઉપનગરીય અને ગ્રામીણ વિસ્તારોમાં, મોટાભાગનાં હજુ પણ હાથથી લખાય છે.”
તેમના કહેવા મુજબ, તેમનો સ્ટાફ ખૂબ જ અનુભવી છે અને ગ્રાહકોને યોગ્ય દવા મળે તે સુનિશ્ચિત કરવા માટે તેમાંથી મોટાભાગની દવાઓ સમજવામાં સક્ષમ છે.
“તેમ છતાં, ક્યારેક આપણે ડૉક્ટરોને બોલાવવા પડે છે કારણ કે યોગ્ય દવા આપવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.”