
IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ 15 મિનિટમાં આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાયો છે. ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતાની સાથે જ ગેરકાયદે દલાલો દ્વાર મોટી સંખ્યામાં ટિકિટ બુક કરવામાં આવે છે. તેના માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટિકિટ બુક કરનારા સામાન્ય પ્રવાસીઓને વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ મળે છે. આ ગેરરીતિને રોકવા માટે નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં પ્રથમ 15 મિનિટમાં ટિકિટ બુક કરનારે ફક્ત આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે. તે પછી બધા નોંધાયેલા આઇઆરસીટીસી વપરાશકર્તાઓ રાબેતા મુજબ ઇ-ટિકિટ બુક કરી શકશે. ઇ-ટિકિટની કાળાબજારી એ રેલવે તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે.આઇઆરસીટીસી સહિત ઝોનલ રેલવે આવા ગેરકાયદે દલાલો સામે સતત કાર્યવાહી કરી રહી છે. આઇઆરસીટીસીએ આ વર્ષની શરૂઆતમાં જ અઢી કરોડ જેટલી શંકાસ્પદ આઇડીઓ નિષ્ક્રિય કરી છે. ઉપરાંત તત્કાળ ઇ-ટિકિટો માટે આધાર પ્રમાણીકરણ પહેલી જુલાઇથી જ શરૂ છે. સાથે જ અન્ય નિયમોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આઇઆરસીટીસીએ અપીલ કરી છે કે પ્રવાસીઓએ ઇ-ટિકિટ બુક કરતી વખતે નવા નિયમને ધ્યાનમાં લેવો.