
ભાયાવદર પોલીસે સરદાર ચોક પાસે આવેલી ઓફિસમાં દરોડો પાડી સેક્સ સ્ટેમીના વધારવા સહિતની દવાઓના વેચાણના કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન સંચાલક સહિત નવ શખસોને ઝડપી લીધા હતાં. જયારે કારસ્તાનમાં સામેલ એક શખસ હાથ લાગ્યો ન હતો. અહીંથી દવાઓનો જથ્થો અને કોમ્પ્યુટર સહિત રૂ.૩.૯૬ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની દ્વારા જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા અપાયેલી સૂચના હેઠળ ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.સી. પરમારની રાહબરી હેઠળ એએસઆઇ રોહિતભાઈ વાઢેર, અરૂણભાઇ, હેડ કોન્સ્ટેબલ પ્રેમજીભાઈ, કોન્સ્ટેબલ શક્તિસિંહ, હિમાંશુભાઈ, સત્યપાલસિંહ, અજયભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ભાયાવદરમાં સરદાર ચોક પાસે આવેલ બાલાજી મેડિકલ સ્ટોર ઉપર ઓફિસમાં દર્શક મનસુખભાઈ માંકડીયા (રહે. ભાયાવદર) નામનો શખસ કમિશન પર માણસો રાખી કોમ્પ્યુટર, લેપટોપ અને ઇન્ટરનેટના સાધનો પૂરા પાડી સેક્સ્યુઅલ સ્ટેમિના વધારવાની પ્રોડકટનો કોઈપણ જાતની ડીગ્રી કે આધાર વગર ઓનલાઇન વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસની ટીમને અહીં ઓફિસમાં દરોડો પાડયો હતો.
ભાયાવદર પોલીસે દરોડા દરમિયાન ઓફિસ સંચાલક દર્શક મનસુખભાઈ માકડીયા તથા અમિતગીરી રાજેશગીરી મેઘનાથી(ઉ.વ 24), કશ્યપ સુમનભાઈ મકવાણા (ઉ.વ 22 રહે. બંને ભાયાવદર), દર્શન મનોજભાઈ પરમાર(ઉ.વ 20 રહે.મોજીરા, ઉપલેટા), તુષાર ભરતભાઈ વારગીયા(ઉ.વ 22), રોહિત રાજેશભાઈ લધા(ઉ.વ 20), લલિત ચંદુભાઈ વેસરા (ઉ.વ 21), સુજલ સંદીપભાઈ વાળા(ઉ.વ 19) અને જયદીપ સંજયભાઈ રાતડીયા (ઉ.વ 24 રહે.બધા ભાયાવદર) ને ઝડપી લીધા હતા. જ્યારે આ ગોરખધંધામાં સામેલ કિશન હાજર મળી આવ્યો ન હતો. દરોડા દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત કુલ રૂપિયા 3.96, 972 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, અહીં દર્શક માકડીયા ઓનલાઇન સેક્સ સ્ટેમીના વધારવાની પ્રોડકટનું તથા ડાયાબિટીસની અને વજન ઘટાડવાની દવાઓનું ઓનલાઈન વેચાણ કરવા માટેનું કોલ સેન્ટર ચલાવતો હતો અને અન્ય આરોપીઓને તેને કમિશન પેટે અહીં રાખ્યા હતા. પોતે ડોકટર ન હોવા છતાં ડોક્ટર તરીકેની ઓળખ આપી તે ઓર્ડર બુક કરતો હતો. પોલીસની તપાસમાં એવી પણ વાત સામે આવી હતી કે, અહીંથી કોઈ વ્યક્તિએ ઓર્ડર બુક કર્યા બાદ તેઓ મેસેજ કરતા હતા કે જો તમે પાર્સલ પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી જો તમને કોઈ સમસ્યા હોય તો અમને જણાવો જો. એવું કંઈ થાય કે તમે પાર્સલ પ્રાપ્ત કરી શકતા નથી તો ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ તમારી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જયારે તમે ઓર્ડર બુક કર્યો ત્યારે તમારી પાસે તૈયારી સમયનું સંપૂર્ણ રેકોર્ડિંગ પુરાવો અમારી પાસે ઉપલબ્ધ છે તમને બળજબરીથી કોઈ ઓર્ડર મોકલ્યો નથી. જો તમે હજુ અમારી સાથે છેતરપિડી કરો છો તો અમે તમારી સામે પગલાં લેવા તૈયાર છીએ તેમ કહી બળજબરીથી. પૈસા પડાવતા હતા.
આમ દર્શક માંકડીયા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર અન્ય વ્યક્તિઓ સાથે મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ઓફિસ ખોલી તેમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ તથા ઇન્ટરનેટના સાધનો પૂરા પાડી માણસોને લલચાવી સેક્સ સ્ટેમીના વધારવા માટેની તથા વજન ઘટાડવાની તેમજ ડાયાબિટીસની આયુર્વેદિક પ્રોડકટ વેચવા માટે ખોટા ડોકટરની ઓળખ આપી ઓર્ડર કન્ફર્મ થાય જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ કેસ કરવાની વોટસએપના માધ્યમથી ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોય આ તમામ શખસો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 318(4), 319,351(4), (3), (5) આઈટી એકટ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એકટની કલમ હેઠળ ગુનો નાખ્યો છે અને કાસ્તાનમાં સામેલ કિશનને ઝડપી લેવા તપાસ હાથ ધરી
૪ હજારથી વધુ વ્યક્તિઓએ દવા માટે ઓર્ડર આપ્યા’તા ભાયાવદર પોલીસે સેકસ સ્ટેમીના વધારવા, ડાયાબિટીસ તથા વજન ઘટાડવાની દવાઓના ઓનલાઇન રેકેટનો પર્દાફાશ કર્યા બાદ અહીં તપાસ દરમિયાન કેટલીક ચોકાવનારી હકીકતો સામે આવી હતી. પોલીસે અહીંના દસ્તાવેજો ચકાસતા આ ટોળકી દ્વારા કુલ 4,023 અલગ અલગ વ્યક્તિઓએ તેમને આ દવાઓ અંગેના ઓર્ડર આપ્યાનું સામે આવ્યું હતું. જેથી આ ટોળકીએ અનેકની શીશામાં ઉતાર્યા હોવાની શંકા સેવાઇ રહી છે.
ભાયાવદરમાં સરદાર ચોક પાસે સેકસ સ્ટેમીના વધારવા સહિતની દવાઓના વેચાણના કોલ સેન્ટર પર દરોડો પાડયા બાદ પોલીસે અહીંથી મોટી માત્રામાં દવાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે આ કોલ સેન્ટ ચલાવનાર દર્શન માંકડીયાની પુછતાછ કરતા તે આ દવાઓ અમદાવાદના યાંગોદરથી લાવતો હોવાની કબુલાત આપી હતી. ત્યારે તે અમદાવાદમાં કોની પાસેથી દવા લાવતો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.