2027 ની ચૂંટણી માટે ગુજરાતના રાજકારણમાં અત્યારથી ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી કોળી સમાજ એક્ટિવ થયો છે. ત્યારે રાજકોટમાં કોળી સમાજે બેઠક કરીને નવા-જૂની થવાના એંધાણ છે. કોળી સમાજના આજે રાજકોટમાં મોટી બેઠક મળવા જઈ રહી છે. જેના પર સૌની નજર છે.
કોળી સમાજની આ બેઠક ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને છે. નવા મંત્રીમંડળ મામલે જો અન્યાય થશે તે મુદ્દે કોળી સમાજે મંથન કર્યું હતું. કયા નેતાના ઈશારે બેઠક તેને લઈને અનેક સવાલો પેદા થયા છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. કારણ કે, જો કોળી સમાજને મંત્રીમંડળમાં અન્યાય થાય તો કોળી સમાજ અન્ય પક્ષને સમર્થન કરી શકે છે.
લાંબા સમયથી કોળી સમાજ સરકાર પાસે વિવિધ માંગણીઓની આશા રાખીને બેઠો છે. ત્યારે હવે મંત્રીમંડળમાં કોળી સમાજને કોઈ અન્યાય ન થાય તે માટે કોળી સમાજ એક્ટિવ થયો છે. આ હેતુથી સૌરાષ્ટ્રના કોળી સમાજ દ્વારા રાજકોટમાં બંધબારણે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત ભાજપમાં આવી રહેલા મોટા બદલાવને લઈને ચર્ચા થઈ હતી.
ગુજરાતમાં કફ સિરપના ઉપયોગને લઈને છુટ્યા તપાસના આદેશ, 11 બાળકોના મોત બાદ મોટું એક્શન
સમાજને આશા છે કે, આગામી મંત્રીમંડળમાં કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે. બેઠકમાં કોળી સમાજે આક્રમક વલણ અપનાવ્યું છે. નવા મંત્રીમંડળમાં સ્થાન નહિ મળે તો કોળી સમાજ નવાજૂની કરવાના મૂડમાં છે. ત્યારે હવે આજે યોજાનારી બેઠકમાં કોળી સમાજ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
ત્યારે આ બેઠક ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સામે મોટા પડકાર લાવી શકે છે. હજી તો તેમણે પદગ્રહણ કર્યો છે, અને એ જ દિવસે કોળી સમાજે આહવાન કર્યું છે. અને આ વચ્ચે મંત્રીમંડળના વિસ્તરણની વાત પણ વહેતી થઈ છે.
થોડા સમય પહેલા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની બેઠક મળી હતી. અખિલ ભારતીય કોળી યુવા સંગઠનની મળેલી બેઠક અંતર્ગત પ્રદેશ કારોબારી મિટિંગનું આયોજન કરાયું હતું. આ મીટીંગમાં રાજકીય સામાજિક પ્રભુત્વના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી. બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુવાઓને સંગઠિત કરવા સમાજને મજબૂત કરવાની ચર્ચા કરાઈ હતી.