એર ઇન્ડિયા ફ્લાઇટની બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ, બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત

Spread the love

 

પંજાબના અમૃતસરથી રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ AI117, એક બોઇંગ 787 ડ્રીમલાઇનર છે. વિમાનનું રેમ એર ટર્બાઇન (RAT) એક્ટિવ થયું ત્યારે આ ઘટના બની. એરલાઇને પુષ્ટિ આપી હતી કે વિમાનમાં બધી ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ સામાન્ય રીતે કાર્યરત હતી. વિમાને 4 ઓક્ટોબરે અમૃતસરથી બર્મિંગહામ ઉડાન ભરી હતી.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન બર્મિંગહામમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યુ છે અને બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. જોકે, વધુ તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. આ કારણે, બર્મિંગહામથી દિલ્હી જતી પરત ફ્લાઇટ AI114 રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું-“4 ઓક્ટોબર, 2025ના રોજ, અમૃતસરથી બર્મિંગહામ જતી ફ્લાઇટ AI117ના ક્રૂને રેમ એર ટર્બાઇન (RAT) એક્ટિવ જોવા મળ્યું. બધા ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક પરિમાણો સામાન્ય હોવાનું જાણવા મળ્યું, અને વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. વધુ તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે, અને પરિણામે, ફ્લાઇટ AI114 રદ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે”.
રેમ એર ટર્બાઇન (RAT) એ એક નાનો પંખો હોય છે જે ઈમરજન્સીમાં વિદ્યુત અને હાઇડ્રોલિક પાવર આપવાનું કામ કરે છે. તે એક નાનું ટર્બાઇન છે જે વિમાનની નીચેથી બહાર નીકળે છે. તે હવાની મદદથી ફરે છે, ઈમરજન્સીમાં વિમાનને સપોર્ટ પૂરો પાડે છે. ઉત્પન્ન થતી વીજળી વિમાનની મહત્વપૂર્ણ નિયંત્રણ સિસ્ટમ, જેમ કે રેડિયો, ફ્લાઇટ કંટ્રોલ અને હાઇડ્રોલિક પાવરને ચાલુ રાખે છે.
RAT ક્યારે સક્રિય થાય છે? જ્યારે વિમાનના બંને એન્જિન નિષ્ફળ જાય છે અથવા મુખ્ય પાવર સિસ્ટમ બંધ થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે, ત્યારે RAT આપમેળે એક્ટિવ થાય છે. જો જરૂરી હોય તો, પાઇલટ તેને મેન્યુઅલી શરૂ કરી શકે છે. તે વિમાનની મહત્વપૂર્ણ સિસ્ટમોને ચાલુ રાખવા માટે ઈમરજન્સીમાં પાવર સપ્લાય કરે છે અને પાઇલટ વિમાનને નિયંત્રિત કરી શકે છે. તેનો ઉપયોગ ફક્ત નિયંત્રણ હેતુ માટે થાય છે; તે ઉડાન ભરી શકતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *