નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિ,
‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ સાથે બે દિવસીય પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ સહભાગી થયા,વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુના ૭૨ ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ગયા,વાઇબ્રન્ટ સમિટ થકી રાજ્યના એમએસએમઈને વેગ મળ્યો – ૨૭ લાખ એમએસએમઈ કાર્યરત થયા
સીધો સૂર્યપ્રકાશ ધરાવતી ઉત્તર ગુજરાતની ભૂમિના સોલાર એનર્જી પોટેન્શિયલને ચારણકા સોલર પાર્ક થકી વડાપ્રધાનશ્રીએ વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું,માંડલ બેચરાજી SIRથી ગુજરાત ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બન્યું
છેલ્લાં ૧૧ વર્ષ દરમિયાન ગુજરાતમાં રેલક્ષેત્રે રૂ. ૧.૪૬ લાખ કરોડ અને સેમિકંડક્ટર ક્ષેત્રે રૂ. ૧.૨૫ લાખ કરોડનું રોકાણ આવ્યું
નવા જીઆઇડીસી એસ્ટેટ્સ અને સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત તથા એમઓયુ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરાર એક્સચેન્જ કરાયાં,સંતુલિત પ્રાદેશિક વિકાસના ધ્યેય સાથે GRIT દ્વારા તૈયાર કરાયેલા ઉત્તર ગુજરાત અને અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાનની બુકનું અનાવરણ, આ ટ્રેડ શૉ અને એક્ઝિબિશન થકી આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો અને સરકારી વિભાગોને એકસાથે લાવવાનો પ્રયાસ
મહેસાણા
ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ’ના ધ્યેય આવી કોન્ફરન્સને સુપેરે પાર પાડશે.આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનું જે આહવાન કર્યું છે, તેમાં સ્થાનિક ઉદ્યોગો પણ સહભાગી થઈ શકે, એટલું જ નહીં પ્રાદેશિક ક્ષમતાઓ પણ વૈશ્વિક સ્તરે ઉજાગર થઈ શકે તે માટે આવી રિજનલ કોન્ફરન્સીસ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે.મુખ્યમંત્રીશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ કોન્ફરન્સની શૃંખલામાં ઉત્તર ગુજરાતની વીજીઆરસીનો પ્રારંભ મહેસાણાની ગણપત યુનિવર્સિટીના પરિસરથી કરાવ્યો હતો. આ બે દિવસીય કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય રેલવે અને માહિતી- પ્રસારણ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીશ્રીઓ તથા દેશ-વિદેશના વિવિધ ડેલિગેટ્સ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આ ઉદ્ઘાટન સત્રમાં જોડાયા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઉત્તર ગુજરાતના પ્રદેશની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલા ટ્રેડ શો અને પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું.
‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ના ધ્યેયમંત્ર સાથે મહેસાણામાં શરૂ થયેલા બે દિવસીય પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે નવા જીઆઇડીસી એસ્ટેટ્સ અને સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત સહિત અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાન સહિત સંતુલિત પ્રાદેશિક વિકાસના ધ્યેય સાથે GRIT દ્વારા તૈયાર કરાયેલા ઉત્તર ગુજરાત અને અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાનની બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં એમઓયુ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરારો પણ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
આ માસ્ટર પ્લાન ગુજરાતના ૩૩ જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન ૨૮૦ બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ ૨૦૨૩)ના કદથી વધારીને ૩.૫ ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે.
આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે.
આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા જાણીતા ઉદ્યોગકારો, વિવિધ દેશોના રાજદૂતો, વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વેપારી રાજ્ય તરીકેની ઓળખ બદલવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી એક અભિનવ પહેલ રૂપે શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોતર સફળતાથી ગુજરાત ‘ગ્લોબલ ગેટ વે ટુ ધી ફ્યુચર’ બન્યું છે. એટલું જ નહીં ૨૪ વર્ષમાં ૬૮.૯ બિલિયન યુ.એસ ડોલર એફડીઆઈ અને દેશના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત ૧૮ ટકાના ફાળા સાથે અગ્રેસર છે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ-ધંધા અને વેપારને વેગ મળે એ માટે શ્રી નરેન્દ્રભાઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સ્કિલ્ડ મેનપાવર પર જોક આપીને તથા પ્રોએક્ટિવ પોલીસીથી ગુજરાતને પોલીસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે.વડાપ્રધાનશ્રી આપેલા ગુજરાતના વિકાસના વિઝન અને ક્ષમતા પર લોકોના વિશ્વાસ અને વૈશ્વિક અભિગમને કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના વિકાસના રોલ મોડલ ગુજરાતની જે પ્રાદેશિક વિશેષતાઓ અને ઉદ્યોગિક ઉત્પાદન ક્ષમતા છે, તેને પણ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આ ઉપક્રમ પ્રયોજ્યો છે.આના પરિણામે, સ્થાનિક ઉત્પાદનોને વેગ મળશે, આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર થશે તથા પ્રાદેશિક કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ આવતા વડાપ્રધાનશ્રીએ મેડ ઇન ઇન્ડિયા- મેક ફોર ધ વર્લ્ડનો જે વિચાર આપ્યો છે એ ગુજરાતના વિવિધ પ્રદેશો પોતાની આગવી પ્રોડક્ટ અને ઔદ્યોગિક ઉત્પાદનોથી સાકાર કરશે.
વર્ષ ૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા એમઓયુમાંથી ૭૧૦૦ જેટલા એમઓયુ ઉત્તર ગુજરાત માટે થયા હતા, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ એમઓયુના ૭૨ ટકા એટલે કે ૫ હજારથી વધુ પ્રોજેક્ટ તો કમિશન્ડ પણ થઈ ગયા છે.તેમણે કહ્યું કે, ઉદ્યોગ અને ખેતી બેય માટે પાણી મહત્વનું છે એ વાત ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર ભાઈ સારી રીતે જાણતા હતા અને એટલે જ તેમણે સુજલામ સુફલામ યોજના, નર્મદા યોજના અને લિફ્ટ ઇરીગેશનની વિવિધ યોજનાઓથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું, એટલું જ નહીં જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક વીજળી પણ પહોંચાડી છે.
વીજળી અને પાણી મળતા આ વિસ્તારના ખેડૂતોને એકથી વધુ સિઝનલ પાક લેવાની તક મળી છે અને એગ્રીકલ્ચરમાં વેલ્યુ એડિશનના વડાપ્રધાનશ્રીના વિઝનથી ઉત્તર ગુજરાતમાં એગ્રો ઇન્ડસ્ટ્રી વિકસી છે.શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતની ખાસ કરીને રણ વિસ્તારની ભૂમિ જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે, તે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકામાં વિકસાવ્યો હતો.બેચરાજી માંડલ અને વિઠલાપુરના ઉદ્યોગોથી વંચિત રહેલા વિસ્તારોને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન બનાવીને આખા વિસ્તારને ઓટો મોબાઈલ ઉદ્યોગોથી ધમધમતા કરી વડાપ્રધાનશ્રીએ ગુજરાતને દેશના ઓટો હબ તરીકે પ્રસ્થાપિત કર્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટને કારણે રાજ્યમાં મોટા ઉદ્યોગો આવ્યા તેને અનુરૂપ આનુષાંગિક નાના એમએસએમઈનો પણ વિકાસ થયો છે અને ૨૭ લાખથી વધુ એમએસએમઈ ગુજરાતમાં કાર્યરત છે.વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની બે દાયકાની સફળતાને પ્રાદેશિક સ્તરે લઈ જવાની નેમ સાથે સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો નિર્ધાર કર્યો છે. ઉત્તર ગુજરાતની આ કોન્ફરન્સમાં રીન્યુએબલ એનર્જી, ડેરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આગામી સમયમાં યોજાનારી સૌરાષ્ટ્ર વિસ્તારની વીજીઆરસીમાં એન્જિનિયરિંગ, સિરામિક ઉદ્યોગો, બ્રાસ પાર્ટસ, ફિશરીઝ એન્ડ મરિન પ્રોડક્ટ્સ પર ફોકસ કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની આવી વીજીઆરસીમાં જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અને મધ્ય ગુજરાતમાં યોજાનારી વીજીઆરસીમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન મોબિલિટી, કેમિકલ્સ, ઈવી જેવા ક્ષેત્રોને વિજીઆરસીથી વૈશ્વિક સ્તરે એક્સપોઝરથી સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ અને વિકસિત ભારત @૨૦૪૭ માટે આત્મનિર્ભર ભારતનું ચાલકબળ બનાવવા છે.મુખ્યમંત્રીશ્રીએ બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને સ્વદેશીનો જે મંત્ર આપ્યો છે તેને સેમી કંડક્ટર, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, મેડિકલ ડિવાઇસીસ, ગ્રીન એનર્જી, અને ઈલેક્ટ્રીક મોબિલિટી વગેરે જેવા ઉભરતા આત્મનિર્ભરતા ક્ષેત્રો સાથે વર્લ્ડ લીડર બનવાની દિશામાં સફળ થવા માટે રિજનલ એસ્પીરેશન અને ગ્લોબલ એમ્બિશનની થીમ સાથેની આવી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ મહત્વની ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ગુજરાત આંન્ત્રપ્રિન્યોરની ભૂમિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળમાં આગવા વિઝન થકી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સમગ્ર દેશ માટે અનુકરણીય બની છે. આ વિરલ નેતૃત્વ આજે સમગ્ર વિશ્વને નવી દિશા અને માર્ગદર્શન આપી રહ્યું છે.શ્રી વૈષ્ણવે ગુજરાતના રેલવે નેટવર્કની વિગતો આપતાં જણાવ્યું કે છેલ્લાં માત્ર ૧૧ વર્ષમાં ગુજરાતમાં ૨૭૬૪ કિમીના નવા રેલવે ટ્રેક બન્યા છે, જે ડેન્માર્કના કુલ રેલવે નેટવર્કથી પણ વધારે છે. આ સમયગાળામાં રાજ્યમાં રૂ. ૧.૪૬ લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે અને ઑગસ્ટ, ૨૦૨૭ સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય છે જેના માટે તમામ સહયોગ બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ જ પ્રકારે રાજ્યના ચાર મહત્ત્વના સેમિકંડક્ટર પ્લાન્ટનો ઉલ્લેખ કરી કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે આ ક્ષેત્રે રાજ્યમાં રૂ. ૧.૨૫ લાખ કરોડનું રોકાણ આવ્યું છે અને જાપાનની અલગ અલગ ૩૦ કંપનીઓએ આ માટેના ઉપયોગી કોમ્પોનન્ટ્સ બનાવવાનું આયોજન કર્યું છે.
આ જ પ્રકારે, ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છેલ્લાં ૧૧ વર્ષમાં વિકસીને ૧૨ લાખ કરોડની બની ગઈ છે. જે વડાપ્રધાનશ્રીએ સ્થાપેલા ક્વૉલિટીના નક્કર માપદંડોનું પરિણામ હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. ગુજરાતમાં પણ ઈલેક્ટ્રિક ઈકોસિસ્ટમને વધુ વેગ અપાવવા તેમણે મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ક્લિન અને ગ્રીન એનર્જીને ગુજરાતની મોટી તાકાત ગણાવતાં જણાવ્યું કે આજના આ સંક્રાંતિકાળમાં વિશ્વનો જિયો પૉલિટિકલ સિનારિયો બદલાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આપેલાં આત્મનિર્ભરતાના મંત્રને અનુસરીને ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ ના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે તૈયાર કરેલાં રોડમેપ પર સૌને એક સાથે આગળ વધવા અપીલ કરી હતી.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે સૌને આવકારતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવેલી ત્યારે રાજ્ય સામે અનેકવિધ પડકારો હતા. અનેક લોકોના મનમાં આ સમિટ અંગે ઘણી દ્વિધાઓ હતી. આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ સ્થિતિએ પહોંચી છે કે દેશ અને દુનિયાએ ગુજરાતની નોંધ લીધી છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૩માં શરૂઆત બાદ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વ્યાપ સતત વધતો ગયો છે. તેની ૧૦મી આવૃતિએ અનેક નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે. ૧૦ વર્ષની આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ ૨૦૦૩માં જે ઉત્પાદન હતું એ આજે ૨૨ લાખ કરોડ પહોંચ્યું છે. માથાદીઠ આવક પણ વધી છે. મેન્યુફેક્ચરીંગ ઉત્પાદન ૧.૫૦ લાખ કરોડથી વધીને ૨૨ લાખ કરોડ પહોંચ્યું છે. નાના ઉદ્યોગકારોની સંખ્યા પણ ૧.૪૦ લાખથી વધીને ૨૭ લાખ સુધી પહોંચી છે.
ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા છે તથા દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૪૧ ટકા છે. ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકારની સિંગલ વિન્ડો સિસ્ટમ અને હકારાત્મક પોલિસીઓનો મહત્તમ ફાળો છે.
મંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સના આયોજનનો ઉદ્દેશ અને તેના પરિણામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના એગ્રો બેઝ ઉત્પાદનો ઉપરાંત અન્ય ક્ષેત્રોના ઉદ્યોગોને બુસ્ટ અપ મળશે.
આ અવસરે વર્લ્ડ બૅન્કના દક્ષિણ એશિયા પ્રદેશના વાઇસ પ્રેસિડન્ટ શ્રી જોહાનેસ ઝૂટ, જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો, વિયેતનામના રાજદૂત મહામહિમ શ્રી ન્ગુયેન થાન હાઇ, ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીનલ મહેતા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ શ્રી કરણ અદાણી, ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ગણપત પટેલ તેમજ ભારતીય અંતરિક્ષ યાત્રી શ્રી શુભાંશુ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન સમારોહમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને શ્રી મયંકભાઇ નાયક, ગુયાનાના હાઈ કમિશનર શ્રી ધરમકુમાર સિરાજ, ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર શ્રી પેટ્રિક જ્હોન, રવાંડાના હાઈ કમિશનર શ્રી જેક્લીન મુકાનગીરા, યુ.કે.ના ડે. હાઈ કમિશનર શ્રી સ્ટીફન હિકલિંગ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, વૈશ્વિક ભાગીદારો, અગ્રણી કોર્પોરેટ કંપનીઓના સ્થાપક અને .ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, એનર્જી વિભાગના એસીએસ શ્રી હૈદર, વિવિધ વિભાગોના સચિવશ્રીઓ જિલ્લા કલેકટર એસ.કે પ્રજાપતિ, તેમજ તેમજ રાજ્ય સરકારના વિભાગના અધિકારીઓ/ પદાધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શૉ અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા
કેન્દ્રીય મંત્રી શ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવો VGRC પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યાં વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને ટકાઉ આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, MSMEs, સ્ટાર્ટઅપ્સ, વિદેશી ખરીદદારો, મોટી કંપનીઓ, સરકારી વિભાગો, PSUs અને વૈશ્વિક ભાગીદારોને એકસાથે લાવવાનો પ્રયાસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા તેમજ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે.
આ સિવાય ટોરેન્ટ, વેલ્સ્પન, NHPC, NTPC, કોસોલ, સુઝલોન, અવાડા, નિરમા, INOX, અદાણી, મારુતિ સુઝુકી, પાવરગ્રીડ કૉર્પોરેશન લિમિટેડ અને ONGC જેવી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પણ જોડાઈ છે.
આ ઉપરાંત પ્રદર્શનના ભાગરૂપે, દૂધસાગર ડેરી, ONGC, વેસ્ટર્ન રેલ્વે અને મકેન ફૂડ્સ જેવી સંસ્થાઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)નું આયોજન કરવામાં આવશે, જેનો હેતુ ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ની ભાવના સાથે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સ્થાનિક ઉદ્યોગસાહસિકતા, ગ્રામ્ય સ્તરે નવીનતા અને સામુદાયિક વિકાસની શક્તિનો ઉત્સવ મનાવશે. આ આયોજન ક્ષેત્રીય સશક્તિકરણ, વૈશ્વિક સહયોગ અને ટકાઉ પ્રગતિને નવી ઊર્જા આપશે જેનાથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં વધુ મજબૂતી આવશે.



