
છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અનેક દ્વીધા વચ્ચે યુદ્ધ વિરામનો અમલ શરુ થયા બાદ આજે એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ હતું કે ગાઝા યુદ્ધનો અંત આવ્યો છે અને જે શાંતિ સમજુતી થઈ છે તેના અમલના પ્રથમ તબકકામાં સાત ઈઝરાયેલી બંધકોને મુક્ત કરાતા તેલઅવીવમાં ઉજવણી જેવો માહોલ શરુ થઈ ગયો છે અને વધુ 13 બંધકોને પણ મુક્ત કરાશે. હમાસે જે બંધકોને મુક્ત કરવાની યાદી જાહેર કરી છે તેમાં નેપાળના 25 વર્ષીય વિદ્યાર્થી બીપીન જોશીનું નામ નહી હોવાથી તેના જીવિત હોવા અંગે પ્રશ્ન સર્જાયો છે. પ્રાથમીક અહેવાલ મુજબ 2023ના હમાસના હુમલામાં 10 નેપાળી માર્યા ગયા હતા પરંતુ બીપીન જોશી અને અન્ય એક સ્થાયી નાગરિકને અપહૃત કરાયા હોવાનું જાહેર થયુ હતુ પરંતુ હજુ સુધી તેના ભવિષ્ય અંગે પ્રશ્ન યથાવત છે.
ગઈકાલે રાતથી જ તેલઅવીવમાં હજારો લોકો ગાઝા સરહદ પાસે એકત્ર થઈ ગયા હતા અને કયારે અપહૃતોને સુપ્રત કરાય તે રાહ હતી. સવારે રેડક્રોસને ઉતરી ગાઝામાં હમાસ દ્વારા બંધક કરાયેલ સાત ઈઝરાયેલી નાગરિકોને સુપ્રત કરાયા હતા અને વધુ 20ને પણ થોડા સમયમાં મુક્ત કરાશે. જેની સામે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના 1200 જેટલા કેદીઓને મુક્ત કરવાની તૈયારી કરી છે. પ્રથમ તબકકામાં મુકત થયેલા તમામ સાત ઈઝરાયેલના સૈનિકો છે. જયારે અન્ય 13 સામાન્ય નાગરિક હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ 13 જેટલા બંધકો જે મૃત્યુ પામ્યા હતા તેમના પાર્થિવદેહ પણ સુપ્રત કરાશે. હમાસ પાસે હજુ 48 અપહૃતો છે અને તેથી આ પ્રક્રિયા લાંબી ચાલશે તેવા સંકેત છે.