
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ટેરન્ટ કાઉન્ટી સ્થિત હિક્સ એરફિલ્ડ નજીક એક નાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. જેમાં વિમાનમાં સવાર બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, ક્રેશ થયા બાદ વિમાન નોર્થ સેગિનો બુલવર્ડ પર આવેલા એક પાર્કિંગ લોટમાં પાર્ક કરેલા અઢાર-વ્હીલર ટ્રકો અને ટ્રેલરો પર પડ્યું હતું. આ અથડામણના કારણે જોરદાર આગ લાગી ગઈ, અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા. આગની લપેટમાં નજીકનું એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી ક્રૂ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. જોકે, દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ થયા છે, સદભાગ્યે, ગ્રાઉન્ડ પર (જમીન પર) અન્ય કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ નથી.