ગુજરાત HC માં દાંપત્ય વિવાદનો હેબિયસ કોર્પસ કેસ : પત્ની ઘરે પરત ફરશે, પતિ ચાર અઠવાડિયા સુધી ઘરથી દૂર રહેશે

Spread the love

 

ગુજરાત હાઇકોર્ટે બુધવારે દાંપત્ય વિવાદના મામલે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. પત્ની દ્વારા દાખલ કરાયેલ હેબિયસ કોર્પસ અરજીમાં તેણીએ દાવો કર્યો હતો કે તેના પતિએ તેને ઘરેથી કાઢી મૂક્યા છે અને તેમના છ વર્ષના પુત્ર નક્ષને ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખ્યો છે. જો કે આ ઘટનામાં સમાધાનના પ્રયાસના ભાગરૂપે પતિ ખુદ પોતાના ઘરમાંથી ચાર સપ્તાહ સુધી બહાર રહેશે અને પત્ની અને પુત્ર સાથે રહેશે. પતિને અદાલતે દરરોજ બાળકને મળવાને મંજૂરી આપી છે. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે, પતિએ તેને ઘરમાંથી હાંકી કાઢી હતી અને છ વર્ષના પુત્રને પોતાની પાસે ગોંધી રાખ્યો છે. આથી તેણીએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી હતી. હાઇકોર્ટની નોટીસ મળતા જ પોલીસ વિભાગે પતિ તથા પુત્રને કોર્ટ સમક્ષ હાજર કરાવ્યા હતા. ન્યાયમૂર્તિ એન.એસ. સંજય ગૌડા અને ન્યાયમૂર્તિ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈની ખંડપીઠે દંપતી અને બાળક સાથે વાતચીત કર્યા બાદ જણાયું કે, દાંપત્ય વિવાદને કારણે તણાવની સ્થિતિ ઉભી થઈ છે.
કોર્ટની સલાહ બાદ અરજદારે પોતાના પતિના ઘેર પરત જઈ પોતાના પુત્ર સાથે રહેવાની સંમતિ આપી છે. પતિએ આપેલું નિવેદન પણ કોર્ટએ નોંધ્યું કે, તેઓ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા સુધી પોતાના ઘરેથી દૂર રહેશે જેથી પરિસ્થિતિ શાંત થઈ શકે. હાઇકોર્ટે આ દરમ્યાન પિતાને પોતાના પુત્રને દરરોજ મળવાની છૂટ આપી છે. કેસની આગળની સુનાવણી 10 નવેમ્બર, 2025ના રોજ રાખવામાં આવી છે, જ્યાં આ તાત્કાલિક વ્યવસ્થા ચાલુ રાખવી કે નહીં તે નક્કી કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *