રાજકોટ: સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની મોટી જાહેરાત કરી છે. ખજૂરભાઈએ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
બારડોલીના રહેવાસી ખજૂરભાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અનેક બેઘર લોકોને આશિયાનો પૂરો પાડ્યો છે અને તેમને ઘરનું ઘર અપાવ્યું છે. તેમની આ સક્રિય સેવાકીય ભૂમિકા બાદ હવે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાતને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી ખજુરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ખજુરભાઈની મોટી ફેન ફોલોઈંગ છે. તેમની કોમેડી તો લોકોને પસંદ આવે જ છે સાથે સાથે તેમની સેવાકીય કામગીરીને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે.
જો આપણે નીતિન જાનીના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પત્ની મીનાક્ષી દવે સૌરપાષ્ટ્રના સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. આ ઉપરાંત મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો (નીલમ, કોમલ તથા દેવાંગી) છે અને ભાઈ હરકિશન છે. તેમનો ભાઈ બી.કોમ,ના ત્રીજા વર્ષમાં ભણે છે. જ્યારે નીતિન અને તેમનો ભાઈ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં સાથે જોવા મળે છે.
ખજુરભાઈની સેવાકીય કારકિર્દી
તમને જણાવી દઈએ કે, 2021માં ગુજરાતમાં તાઉતે નામના વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ઘણી જ નુકસાની કરી હતી. ત્યારથી જ નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ સેવાકીય કાર્યોમાં લાગી ગયા હતા. તે સમયગાળા દરમિયાન નીતિન જાનીનો જન્મદિવસ હતો, પરંતુ તેમણે જન્મદિવસ ઉજવ્યો નહીં અને વાવાઝોડાના અસરગ્રસ્તોને બે લાખ રૂપિયાની મદદ કરી હતી. જોકે, પછી મનમાં વિચાર આવ્યો કે આટલા રૂપિયાથી કંઈ થશે નહીં અને તેઓ સૌરાષ્ટ્ર જવા નીકળી પડ્યા હતા. ત્યારથી લઈને તેમણે 250થી વધુ મકાનો બંધાવી આપ્યાં છે.