
મંગળવારે બપોરે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર એર ઇન્ડિયાના વિમાનથી થોડા મીટર દૂર ઉભેલી બસમાં અચાનક આગ લાગી ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બસ એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની હતી, જે ઘણી એરલાઇન્સ માટે ગ્રાઉન્ડ સર્વિસીસ પૂરી પાડતી કંપની છે. આગ લાગી ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા. કોઈ ઘાયલ થયું છે કે નહીં તે સ્પષ્ટ નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બસ સંપૂર્ણપણે આગમાં લપેટાયેલી જોવા મળે છે. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવ્યો છે. તપાસ ચાલી રહી છે.
આ ઘટના બાદ દિલ્હી એરપોર્ટ મેનેજમેન્ટે પણ એક નિવેદન જાહેર કર્યુ. તેમણે જણાવ્યું હતું કે, “બપોર 12 વાગ્યાની આસપાસ, એક ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીની બસમાં અચાનક આગ લાગી ગઈ.” એરપોર્ટની ફાયરની ટીમે ઝડપથી પ્રતિક્રિયા આપી અને થોડીવારમાં આગ પર કાબુ મેળવ્યો. બસ તે સમયે પાર્ક કરેલી હતી અને તેમાં કોઈ મુસાફરો નહોતા. બધી ફ્લાઇટ કામગીરી સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ અને ચાર રનવે છે, જે વાર્ષિક 10 કરોડથી વધુ મુસાફરોને સંભાળી શકે છે. ટર્મિનલ 3, જેનું 2010માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા ટર્મિનલમાંનું એક છે અને વાર્ષિક 4 કરોડ મુસાફરોને સેવા આપી શકે છે.
22 જુલાઈના રોજ, દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનના ઓક્સિલરી પાવર યુનિટ (APU)ના પાછળના ભાગમાં આગ લાગી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com મુજબ, વિમાન મંગળવારે બપોરે 12:12 વાગ્યે હોંગકોંગથી દિલ્હી પહોંચ્યું હતું. જોકે, તેમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રહ્યા હતા. આ ફ્લાઈટ હોંગકોંગથી દિલ્હી આવી હતી. ફ્લાઇટ AI 315ના લેન્ડિંગ અને પાર્કિંગ પછી તરત જ APUમાં આગ લાગી ગઈ. મુસાફરો ઉતરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી, અને સિસ્ટમ ડિઝાઇન મુજબ APU ઓટોમેટિક બંધ થઈ ગયું હતું. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાનને થોડું નુકસાન થયું છે, પરંતુ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. વધુ તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું અને રેગ્યુલેટરી સંસ્થાને જાણ કરવામાં આવી હતી.