હવે મોબાઇલ પર નંબર સાથે કોલ કરનારનું નામ દેખાશે, છેતરપિંડી અટકાવવા માટે TRAI અને DoTનો નિર્ણય

Spread the love

હવે જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે ત્યારે કોલ કરનારનો નંબર અને નામ તમારા મોબાઇલ સ્ક્રીન પર દેખાશે, કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં. ટેલિકોમ નિયમનકારો TRAI અને DOT (દૂરસંચાર વિભાગ)એ મોબાઇલ કોલ છેતરપિંડી અટકાવવા માટે આ પગલું ભર્યું છે. આ નામ મોબાઇલ નંબર કનેક્શન ખરીદતી વખતે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા ID પ્રૂફ જેવું જ હશે. આ ડિફોલ્ટ સુવિધા હશે. જો કોઈ વપરાશકર્તા આ સુવિધા ઇચ્છતો નથી તો તેઓ એને નિષ્ક્રિય કરી શકે છે. ટેલિકોમ કંપનીઓએ ગયા વર્ષે મુંબઈ અને હરિયાણા સર્કલમાં આ સેવાનું ટ્રાયલ હાથ ધર્યું હતું.

TRAI અને DoT વચ્ચે શું નિર્ણય લેવામાં આવ્યો એ 3 મુદ્દામાં સમજોઃ
જૂનું સૂચન: ‘કોલિંગ નેમ પ્રેઝન્ટેશન’ (CNAP) નામની આ સેવા માટે TRAI દ્વારા ફેબ્રુઆરી 2024માં DoTને મોકલવામાં આવેલી ભલામણમાં, એવું કહેવામાં આવ્યું હતું કે આ સેવા ફક્ત ત્યારે જ શરૂ થવી જોઈએ જ્યારે કોલ પ્રાપ્ત કરનાર ગ્રાહક પોતે તેની વિનંતી કરે.
DOTનો અભિપ્રાય અને ફેરફારો: TRAIને લખેલા પત્રમાં DOTએ જણાવ્યું હતું કે,”આ સેવા ડિફોલ્ટ રૂપે પૂરી પાડવી જોઈએ. જો કોલ પ્રાપ્ત કરનાર ગ્રાહક આ સેવા ઇચ્છતો નથી તો તેઓ એને બંધ કરવાની વિનંતી કરી શકે છે.
ટ્રાઈની સંમતિ: ટ્રાઈએ DOTના આ વિચારને સ્વીકારી લીધો છે અને હવે બંને વિભાગો એકમત છે.

આ પગલું દેશભરમાં ડિજિટલ ધરપકડ અને નાણાકીય કૌભાંડો જેવા છેતરપિંડીભર્યા કોલ અને સાયબર ગુનાઓને રોકવા માટે છે. આનાથી ગ્રાહકો ઓળખી શકશે કે તેમને કોણ ફોન કરી રહ્યું છે, જેનાથી તેઓ કપટી કોલ ઓળખી શકશે. કોલિંગ લાઇન આઇડેન્ટિફિકેશન રિસ્ટ્રિક્શન (CLIR) સુવિધાનો લાભ લેનારા ગ્રાહકોના નામ કોલ રિસીવ કરતી વખતે દેખાશે નહીં. આ સુવિધા સામાન્ય ગ્રાહકો, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ અને VIP લોકોને પૂરી પાડવામાં આવે છે. ફોન કંપનીઓ CLIR મેળવતા સામાન્ય ગ્રાહકોની સંપૂર્ણ તપાસ કરે છે અને ખાતરી કરે છે કે જરૂર પડ્યે કાયદા અમલીકરણ એજન્સીઓને એની ઍક્સેસ હોય. બલ્ક કનેક્શન, કોલ સેન્ટર અને ટેલિમાર્કેટર્સ આ સુવિધાનો લાભ લઈ શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *