ગેરકાયદેસર વિદેશ જતા 4 ગુજરાતીઓને ઈરાનમાં બંધક બનાવવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે ગેરકાયદેસર વિદેશ મોકલનારા એજન્ટો સામે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ચારેય ગુજરાતીઓને હેમખેમ મુક્ત કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ગાંધીનગર LCB સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.
LCB દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ અને નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પીડિતોના નિવેદનના આધારે આ ગેરકાયદેસર પ્રવાસન રેકેટમાં સામેલ એજન્ટો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ચારેય ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને તેઓ દિલ્હીના એક એજન્ટ બાબા ખાનના સંપર્કમાં આવ્યા હતા. આ દિલ્હીના એજન્ટનો સંપર્ક ગાંધીનગરના એક સ્થાનિક એજન્ટ મારફતે થયો હતો. જ્યારે તેઓ ઈરાનના તહેરાન પહોંચ્યા, ત્યારે તેમનું અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ પોતાનું નામ વારંવાર બદલ્યું હતું અને બંધકોના પરિવારો પાસેથી રૂપિયા 2 કરોડની ખંડણીની માંગણી કરી હતી. જેમાં 50 લાખથી પણ વધુની રકમ ચૂકવવામાં આવી હતી. બાબા ખાન નામના શખ્સે જ પોતાના પરિવાર પાસેથી આ ખંડણીની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.