
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના સ્વાગતમાં સુરેન્દ્રનગરના આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ પર વિશાળ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓએ હાજરી આપી. જ્યાં જગદીશભાઈએ આમ આદમી પાર્ટી (AAP) પર તીખા પ્રહાર કરીને રાજકીય માહોલને ગરમાવી દીધો હતો. તેમણે AAPને ગુજરાતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતી પાર્ટી તરીકે ગણાવી હતી. ખેડૂતોને AAP વિરુદ્ધ જાગૃત કરતા કહ્યું કે, ‘ગુજરાતના ખેડૂતો AAPને ક્યારેય માફ નહી કરે – આવનારા દિવસોમાં જાકારો આપી જવાબ આપશે.’
આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્મનિ ભાજપના રાજ્ય કાર્યકારી અધ્યક્ષો, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓએ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, “ભાજપે પંજાબમાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યા દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ અનાજ, દવાઓ અને રાહત સામગ્રી મોકલીને મદદ કરી હતી. પરંતુ AAP ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ પંજાબમાં સત્તામાં છે, તો ગુજરાતમાં આવીને વિભાજન કરે છે – આ તો રાજકીય દુર્ભાવના છે!”
જગદીશભાઈએ વધુમાં કહ્યું, “ગુજરાતના ખેડૂતો ક્યારેય AAPને માફ નહીં કરે તેઓએ પંજાબમાં ખેડૂત આંદોલનોને દબાવ્યા અને અહીં આવીને આપણા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આવનારા દિવસોમાં ખેડૂતો જાકારો આપીને AAPને જવાબ આપશે.” આ અભિવાદન કાર્યક્રમ ત્યારે યોજાયો જ્યારે તાજેતરમાં AAPએ બોટાદ અને સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયતો યોજીને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. બોટાદના હડદડ ગામમાં કળદા પ્રથા વિરુદ્ધની મહાપંચાયતમાં AAP નેતાઓએ ભાજપ પર દમનકારી વલણના આરોપો લગાવ્યા હતા, અને સુરેન્દ્રનગરમાં પણ આવી જ મહાપંચાયતનું આયોજન કર્યું હતું
જગદીશભાઈ વિશ્વકર્મા જે ઓબીસી સમાજમાંથી આવે છે, તેમની નિમણૂક ભાજપની વ્યૂહાત્મક પગલું છે, કારણ કે હાલમાં કોંગ્રેસ, ભાજપ અને AAPના તમામ પ્રદેશ પ્રમુખો ઓબીસી સમાજના છે. આનાથી ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં ઓબીસી મતોને મજબૂત કરવા માંગે છે. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો અને પાર્ટીના કાર્યકારીઓએ જગદીશભાઈને ગુજરાત ભાજપના નવા યુગના આગેવાન’ તરીકે રજૂઆત કરીને ભાજપની વિકાસ નીતિઓ પર ભાર મૂક્યો હતો.
ખેડૂત આંદોલનો અને કળદા પ્રથા જેવા મુદ્દાઓ વચ્ચે ગુજરાતના રાજકારણમાં તણાવ વધ્યો છે. AAPએ તાજેતરમાં ખેડૂતોને લઈને મહાપંચાયતો યોજીને ભાજપ પર હુમલો કરી રહ્યું છે. તો આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં મહાપંચાયતોનું આયોજન કરવાની જાહેરાત પણ કરી છે. જ્યારે ભાજપ આને ‘રાજકીય ષડયંત્ર’ તરીકે જુએ છે. જગદીશભાઈના આ પ્રહારો AAP માટે પડકારરૂપ છે, અને આગામી દિવસોમાં બંને પક્ષો વચ્ચે વધુ ટક્કર જોવા મળશે મળી રહેલી માહિતી અનુસાર, જગદીશભાઈ ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર અભિયાન વધારશે, જેથી ખેડૂત મતોને મજબૂત કરી શકાય.