
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં વિઝા નિયંત્રણો મૂકીને ભારતીયો માટે વિઝા મેળવવા મુશ્કેલ બનાવી દીધા છે. ઉપરાંત એચ-૧બી વિઝા ફ્રીમાં જંગી વધારો કરીને ટ્રમ્પે ભારતીય પ્રોફેશનલ્સની રોજગારી પર તરાપ મારી છે. વધુમાં હવે ઓહાયોના રિપબ્લિકન સેનેટર બર્ની મોરેનોએ અમેરિકન સેનેટમાં રજૂ કરેલું હાયર એકટ બિલ ભારતીયો માટે એચ-૧બી વિઝા ફી કરતાં વધુ મોટા ફટકા સમાન બની શકે છે.
સૂચિત હાયર એક્ટમાં આઉટસોર્સિંગ પેમેન્ટ્સ પર 25% ટેક્સની જોગવાઈ કરાઈ છે. અમેરિકન સેનેટમાં સેનેટર બર્ની મોરોને 5 સપ્ટેમ્બર, 2025ના રોજ હોલ્ટિંગ ઈન્ટરનેશનલ રીલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ (હાયર) એકટ બિલ રજૂ કર્યું હતું. આ સૂચિત બિલની જોગવાઈઓ ભારતની આઈટી કંપનીઓ માટે અત્યંત જોખમી છે. આ સૂચિત બિલ કાયદો બનશે તો અમેરિકામાં માત્ર માલસામાન જ નહીં આઉટસોર્સિંગ પર પણ ટ્રમ્પ સરકાર ટેરિફ નાંખી શકશે.
અમેરિકી વ્યક્તિ અથવા કંપની દ્વારા વિદેશી વ્યક્તિ (વ્યક્તિ, કોર્પોરેશન, પાર્ટનરશિપ અથવા એન્ટિટી)ને કરેલા કોઈપણ પેમેન્ટ (ફી, રોયલ્ટી, વળતર અથવા ચાર્જ), જેમાં, લેબર, સવસ અથવા બૌદ્ધિક સંપત્તિ સામેલ હોય. તેમાં પેમેન્ટની કૂલ રકમ પર ફ્લેટ 25% એક્સાઇઝ ટેક્સ.
વ્યવસાયિક ખર્ચ તરીકે કોઈ ડિડકશન નહીંથ આઈઆરસીની કલમ ૧૬૨ હેઠળ, આ પેમેન્ટ્સને સામાન્ય વ્યવસાયિક ખર્ચ તરીકે કપાત કરી શકાશે નહીં. આ ડબલ પેનલ્ટીની અસર કંપનીનો ખર્ચ વધારશે. ઉદાહરણ તરીકે, પ્રી-ટેક્સ કિંમતથ 100 ડોલર છે. તો ૨૫% એક્સાઇઝ પછીથ 125 ડોલર ચૂકવવા પડશે. કોઈ ડિડક્શન નહીં હોવાથી 26.25 ડોલર વધારાનો કોર્પોરેટ ટેક્સ (125ના 21%) ચૂકવવાનો રહેશે. જેથી, કુલ અસરકારક કિંમત 151.25 ડોલર થશે.
એક્સાઇઝ ટેક્સની 100% આવક નવા ટ્રેઝરી ફંડમાં જમા થશે. આ ફંડનો ઉપયોગ એપ્રેન્ટિસશિપ અને ટ્રેનિંગ, રિસ્કિલિગ અને પ્રાદેશિક ગ્રાન્ટ્સ માટે કરવામાં આવશે.
મધ્યસ્થીઓ, શેલ કંપનીઓ અથવા ટ્રાન્સફર પ્રાઇસિંગ મેનિપ્યુલેશન દ્વારા બચાવ રોકવા ટ્રેઝરી સેક્રેટરી નિયમો જારી કરી શકશે. આ સિવાય ઘરઆંગણે સબસિડિયરી દ્વારા રુટિંગ પર નજર રાખવામાં આવશે. અંડરપેમેન્ટ પર ટેક્સના 50,100%, વ્યાજ સાથે દંડ વસૂલાશે. આ સિવાય પાલન ન કરવા પર 10 લાખ ડોલરનો સિવિલ દંડ અને ઈરાદાપૂર્વક ઉલ્લંઘન માટે 5 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરવામાં આવી છે.
હાયર એક્ટ બિલ અમેરિકન સંસદમાં પસાર થઈ જશે તો 31 ડિસેમ્બર, ૨૦૨૫ પછીના પેમેન્ટ્સ પર સૂચિત ટેક્સ લાગુ (અથવા અધિનિયમ પછીના કરારો માટે વહેલા) કરવામાં આવી શકે છે.