ભારતમાં આતંકવાદી હુમલો કરવાનાં કાવતરામાં સામેલ હૈદરાબાદનો અહેમદ મોહિયુદિન સૈયદ સહિત ત્રણ ઈસમની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

Spread the love

ઉત્તરપ્રદેશના અન્ય ૦૨ ઈસમો આઝાદ સુલેમાન શેખ અને મોહમદ સુહેલ મોહમદ સલીમની પણ બનાસકાંઠાથી અટકાયત :
અમદાવાદ-મહેસાણા રોડ ઉપર આવેલ અડાલજ ટોલ પ્લાઝા આગળ શકમંદને શોધવાની કામગિરી દરમ્યાન ટેકનિકલ એનાલિસીસ આધારે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કાર રોકતા તેમા ઈસમ અહેમદ મોહિયુદિન સૈયદ મળી આવલે તથા તેના કબજામાંથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ તથા જીવતા કારતુસો નંગ-૩૦ અને પ્લાસ્ટીકની ૧૦ લીટરની બોટલમાં આશરે ૪ લીટર જેટલુ કેસ્ટર ઓઇલ મળી આવ્યું

અમદાવાદ

એ.ટી.એસ. ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને ગુપ્ત રાહે બાતમી મળેલ કે, ‘હૈદરાબાદનો અહેમદ મોહિયુદિન સૈયદ નામનો માણસ ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાના કાવતરામાં સંડોવાયેલ છે અને હાલ તે આતંકવાદી હુમલાના કાવતરાને પાર પાડવાના ભાગરૂપે ગુજરાતના અમદાવાદ ખાતે આવેલ છે.’ જે અંગે એ.ટી.એસ. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓએ આ બાબતે તપાસ કરી ગુનાહીત જણાઇ આવેથી કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો .
જે આધારે પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીની આગેવાનીમાં ટીમ બનાવવામાં આવેલ, જેમાં પો.ઇન્સ.એન.આર.બ્રહ્મભટ્ટ, પો.ઇન્સ.જે.એમ.પટેલ તથા પો.સ.ઇ.એ.આર.ચૌધરી, પો.સ.ઇ.એમ.એન.પટેલ તથા પો.સ.ઇ.આર.આર.ગરચર સામેલ હતા જે અંતર્ગત ઉપરોક્ત અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી શકમંદને શોધવાની કામગિરી કરતા હતા જે દરમ્યાન ટેકનિકલ એનાલિસીસ આધારે અમદાવાદ-મહેસાણા રોડ ઉપર આવેલ અડાલજ ટોલ પ્લાઝા આગળ એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કાર રોકતા તેમા ઉપરોક્ત ઈસમ અહેમદ મોહિયુદિન સૈયદ તથા તેના કબજામાંથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ તથા જીવતા કારતુસો નંગ-૩૦ અને પ્લાસ્ટીકની ૧૦ લીટરની બોટલમાં આશરે ૪ લીટર જેટલુ કેસ્ટર ઓઇલ મળી આવેલ.
જે બાદ ઉપરોક્ત ઈસમને એ.ટી.એસ. કચેરી ખાતે લાવી પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલ કે ઈસમ અહેમદ મોહિયુદિન સૈયદ એક આતંકી કાર્યવાહીને અંજામ આપવા માટે ઘણો સક્રિય હતો. આ ઈસમને આ હથિયારોનો જથ્થો કલોલ પાસે આવેલ એક સુમસાન જ્ગ્યાથી મળી આવેલ હતો. અહેમદ મોહિયુદિન સૈયદનો આમિર એક ‘અબુ ખદીજા’ નામનો માણસ હતો. અહેમદ મોહિયુદિન સૈયદ મુજબ અબુ ખદીજા અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને આઈ.એસ.કે.પી. સાથે સંકળાયેલ છે. આ સિવાય પણ અહેમદ મોહિયુદિન સૈયદ ઘણા પાકિસ્તાનીઓના સંપર્કમાં રહેલ છે. અહેમદ મોહિયુદિન સૈયદ એક મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે રાઈઝિન નામનું અતિશક્તિશાળી ઝેર બનાવતો હતો. જેના માટે આ માણસ દ્વારા જરૂરી રિસર્ચ, સાધન- સામગ્રી, રો-મટીરિયલની ખરિદી તથા પ્રારંભિક કેમિકલ પ્રક્રિયા શરુ કરવામાં આવેલ હતી. આ ઈસમ દ્વારા ચાઈનાથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવેલ છે.જે બાદ ઈસમ અહેમદ મોહિયુદિન સૈયદના મોબાઈલમાંથી મળી આવેલ વિગતો, મોબાઈલ ફોન નંબર અને લોકેશનના આધારે તેને પિસ્ટલ અને કારતુસો ભરેલ બેગ આપનાર ઈસમોને પકડવા નાયબ પોલીસ અધિક્ષક કે.પી.પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પરમારની આગેવાનીમાં પો.ઇન્સ પી.બી.દેસાઈ, પો.ઇન્સ સી.એચ.પનારા, પો.ઈન્સ. ડી.ડી.રહેવર, પો.સ.ઈ.એમ.એમ.ગઢવી અને એ.ટી.એસ.ના સ્ટાફની ટીમ બનાવી ઉપરોક્ત ઈસમને હથિયારો ભરેલી બેગ આપી દેશ વિરોધિ પ્રવૃતિમાં મદદ કરનાર ઉત્તરપ્રદેશના અન્ય ૦૨ ઈસમો આઝાદ સુલેમાન શેખ અને મોહમદ સુહેલ મોહમદ સલીમની પણ બનાસકાંઠાથી અટકાયત કરેલ છે. આ ઈસમોએ પણ આતંકી માનસિક્તા ધરાવનારા છે. આ ઈસમોએ આ હથિયારોનો જથ્થો હનુમાનગઢ, રાજસ્થાનથી લીધેલ હતો. આ ઈસમોની પ્રારંભિક પુછપરછમાં જાણવા મળેલ છે કે આ લોકો દ્વારા લખનૌ, દિલ્હી અને અમદાવાદની ઘણી સંવેદનસીલ જગ્યાઓની રેકી કરી છે. હથિયારો બાબતે પુછતા આ લોકો જણાવે છે કે આ લોકોનો આમિર ડ્રોન મારફતે પાકિસ્તાન બોર્ડરથી હથિયારોનો જથ્થો મોકલાવતા હોય છે.
જે અંતર્ગત એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે તા. ૦૮/૧૧/૨૦૨૫ ના રોજ ફર્સ્ટ ગુ.ર.નં. ૧૦/૨૦૨૫ હેઠળ પકડાયેલ આરોપીઓ અહેમદ મોહિયુદિન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમદ સુહેલ મોહમદ સલીમ તથા વોન્ટેડ આરોપી અબુ ખદીજા વિરૂદ્ધ ધ અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી અહેમદ મોહિયુદિન સૈયદને કોર્ટમાં રજુ કરી તા.૧૭/૧૧/૨૦૨૫ સુધીના રિમાંડ મેળવેલ છે. આ ઉપરાંત ઉપરોક્ત કાવતરામાં સંડોવાયેલ અન્ય ઇસમો વિરુદ્ધ વધુ તપાસ ચાલુમાં છે.

અટકાયત કરેલ આરોપીઓની વિગત:

1. અહેમદ મોહિયુદિન સૈયદ ઉ.વ.૩૫, વ્યવસાય: ડોક્ટર, રહે.ફસ્ટ ફ્લોર, અશદ મંજીલ, સ્ટ્રીટ નંબર ૯, ફોર્ટવ્યુ કોલોની, સ્કોડા શો રૂમની સામે, રાજેન્દ્રનગર, હૈદરાબાદ, તેલંગાણા

2. આઝાદ સુલેમાન શેખ, ઉંમર 20 વર્ષ, વ્યવસાય: સિલાઈ કામ, રહે. કસબા જીન્જાના, શેખા મેદાન, સલારા, તાલુકો: કેરાના, જિલ્લો: શામલી, ઉત્તર પ્રદેશ.

3. મોહમદ સુહેલ મોહમદ સલીમ ખાન, ઉ.વ.૨૩, વ્યવસાય: અભ્યાસ, રહે. વોર્ડ નં-૦૧ પશ્ચિમ ચમરૌધા કસ્બા સિંઘહી કલા તા-નિગાસન જિ-લખીમપુર ખીરી ઉત્તરપ્રદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *