ઈઝરાયલના તેલ અવીવમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પતિથી છૂટાછેડા લેવા વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો

Spread the love

 

ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આણંદની વતની અને વર્તમાનમાં ઈઝરાયલના તેલ અવીવમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પતિથી છૂટાછેડા લેવા વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ માટે મહિલાએ પોતાની બહેનને પાવર ઓફ એટર્ની આપી હતી. જો કે વડોદરાની ફેમિલી કોર્ટે મહિલાની અરજી નકારી નાખતા તેને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ બ્રિજેશ રામાનુજ દ્વારા અપીલ દાખલ કરી છે. જેની ઉપર આગામી સમયમાં વધુ કાર્યવાહીની શકયતા છે.
કેસની વિગતો જોતા વર્ષ 2009માં આણંદની યુવતીના લગ્ન વડોદરામાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીના આ બીજા લગ્ન જ્યારે યુવકના આ પહેલા લગ્ન હતા. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયામાં તેને હેરાનગતિ કરાતી, તેને મ્હેણાં મરાતા અને દહેજની માગ કરવામાં આવતી. લગ્ન સમયે પિયરીયાઓએ આપેલા ઘરેણા સાસરિયાએ પોતાના કબજામાં લઈ લીધા હતા. સાસુ પણ તેને ઘરકામમાં મદદ કરાવવાની જગ્યાએ ટેલિવિઝન જોતા અને અડોસ- પડોશની મહિલાઓ સાથે ગપ્પા મારતા હતા. લગ્નના 7 મહિના બાદ તેને ઘરમાંથી કાઢી મુકાતા તે પોતાના પિયર રહેવા ચાલી ગઈ હતી.
વર્ષ 2011માં આ લગ્નજીવનથી તેને એક પુત્રનો જન્મ થયો હતો. તે ગર્ભવતી હતી ત્યારે તેને ગર્ભપાત માટે સાસરિયાઓ દબાણ કરતા હતા. પોતાની આર્થિક પરિસ્થિતિને લઈને તેને કમાવવા ઈઝરાયલ જવું પડ્યું હતું. જ્યાં તે કેરટેકરની નોકરી કરતી હતી. સગીર પુત્ર પતિના કબજામાં હોવાથી તેના ભરણપોષણ માટે પત્ની ઇઝરાયલથી ગુજરાત પૈસા મોકલતી, પરંતુ તેનો દુરુપયોગ કરવામાં આવતો હતો. તેને કુલ 60 લાખ રૂપિયા ઇઝરાયલથી મોકલ્યા હતા. વળી પતિ વર્ષ 2024માં અન્ય એક મહિલાને લઈને ભાગી ગયો હતો.
આથી પત્નીએ વર્ષ 2024માં પાવર ઓફ એટર્ની દ્વારા વડોદરાની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જો કે ફેબ્રુઆરી, 2025માં ફેમિલી કોર્ટે ચુકાદો આપતા પત્નીને છૂટાછેડા આપવા ઇનકાર કર્યો હતો. આ સમગ્ર કેસ એક તરફે ચાલ્યો હતો, કારણ કે પતિ કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહ્યો નહોતો. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ પતિ સામે ક્રૂરતાના પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ મૂક્યા નથી. અરજદાર પત્ની પોતે વિદેશમાં રહે છે એટલે પોતે લગ્નજીવન ભોગવી શકતી નથી. અરજદાર તરફથી પૂરતા સાહેદ કોર્ટ સમક્ષ રજૂ કરાયા નથી. અરજદારે પોતાના પતિને રૂપિયા મોકલ્યા હતા તે સંબંધના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આથી આ અરજી નકારવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *