
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)એ કેન્દ્ર સરકારના ‘હાઉસિંગ ફોર ઓલ’ના મહત્ત્વકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાએ ‘PM આવાસ યોજના (શહેરી) 2.0’નો અમલ શરૂ કર્યો છે. આ યોજના તા. 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ આગામી વર્ષમાં 20,000 આર્થિક રીતે નબળા (EWS) અને મધ્યમ આવક (MIG) ધરાવતા પરિવારોને વિવિધ સહાય દ્વારા પોતાનું પાકું અને માળખાગત સુવિધાઓવાળું આવાસ પૂરું પાડવાનો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારના ‘હાઉસિંગ ફોર ઓલ’ના મહત્ત્વકાંક્ષી મિશનને ગાંધીનગર શહેરમાં સાકાર કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. જેના પગલે ગાંધીનગરના 20,000 પરિવારોનું ઘરનું સપનું સાકાર થવાનું છે. મહાનગરપાલિકાએ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0’ (PMAY-U 2.0)નો અમલ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ ગાંધીનગર મનપાએ શહેરી વિસ્તારમાં વસતા ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને વ્યાજબી કિંમતે પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ ઉપલબ્ધ કરાવવા માટે તેના ત્રણ મુખ્ય ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સૌથી મહત્ત્વનો ઘટક છે ‘બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રક્શન (BLC)’, જેનો હેતુ લાભાર્થીઓને તેમના પોતાના બાંધકામ માટે સીધી આર્થિક મદદ પૂરી પાડવાનો છે.
આ ઘટક હેઠળ શહેરી વિસ્તારોમાં પોતાની માલિકીની જમીન અથવા કાચું કે અધૂરું મકાન ધરાવતા અને જેમની વાર્ષિક આવક 3 લાખ સુધી છે તેવા પરિવારોને પાકું આવાસ બનાવવા માટે રૂપિયા 4 લાખની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આનાથી લાભાર્થીઓ ગુણવત્તાસભર બાંધકામ ઝડપથી કરાવી શકશે. પરિવારની વ્યાખ્યામાં પતિ, પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અન્ય બે ઘટકો પણ સક્રિય રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં પ્રથમ છે ‘અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP). જેના હેઠળ વાર્ષિક 3 લાખ સુધીની આવક ધરાવતા ઘર વિહોણા પરિવારો માટે મહાનગરપાલિકા દ્વારા આવાસોનું બાંધકામ કરીને તેમને પોષાય તેવા દરે ફાળવણી કરવામાં આવશે. આ ઘટક મોટાપાયે હાઉસિંગ પ્રોજેક્ટ્સ દ્વારા આવાસની અછતને દૂર કરવામાં મદદરૂપ થશે. એજ રીતે ત્રીજો અને કેન્દ્રીય ક્ષેત્રીય ઘટક છે. ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ (ISS). આ યોજના EWS, LIG અને MIG કેટેગરીના પરિવારોને તેમનું પ્રથમ આવાસ ખરીદવા માટે લીધેલી હોમ લોન પર વ્યાજમાં રાહત પૂરી પાડે છે. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને મહત્તમ 1.80 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જેનાથી આવાસ ખરીદવું વધુ આર્થિક રીતે પોસાય તેમ બનશે.