
મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લશ્કરી સંઘર્ષ પછી તરત જ ચીને ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું હતું, આ ખુલાસો એક યુએસ રિપોર્ટમાં થયો છે. યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશને તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચીને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ફાયદો ઉઠાવ્યો અને તેના શસ્ત્રોની ક્ષમતાઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ મુજબ, ચીને ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના વેચાણને રોકવા અને તેના J-35 ફાઇટર પ્લેનનો પ્રચાર કરવા માટે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સથી ખોટી AI-જનરેટેડ તસવીરો ફેલાવવામાં આવી, જેમાં દાવો કરવામાં આવે છે કે ભારતીય રાફેલને ચીનના શસ્ત્રોએ તોડી પાડ્યું છે અને આ તેના ‘કાટમાળ’ ની તસવીરો છે.
આ અહેવાલમાં અમેરિકા માટે આર્થિક, તકનીકી અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ એવા અનેક જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રિપોર્ટ દર્શાવે છે કે ચીન અદ્યતન ટેકનોલોજી (જેમ કે AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રોબોટિક્સ) માં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં જણાવાયું છે કે ચીન આવશ્યક કાચા માલ અને ટેકનોલોજીને નિયંત્રિત કરે છે, અને તેથી તે સપ્લાય ચેઇનનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે છે. આ રિપોર્ટમાં રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશો સાથે ચીનની ભાગીદારી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ઘણા દેશો સાથે આર્થિક-લશ્કરી વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે, જેના કારણે તેની વૈશ્વિક પહોંચ અને તાકાત વધી રહી છે. આ રિપોર્ટમાં ચીનમાં બનેલી ઊર્જા સ્ટોરેજ સિસ્ટમ (જેમ કે બેટરીઓ) વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ખાસ કરીને રિમોટ મોનિટરિંગ ક્ષમતાઓ ધરાવતી સિસ્ટમો, જેનો ચીન સાયબર જોખમો ઉભા કરવા માટે દુરુપયોગ કરી શકે છે.