
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAએ ડૉ. મુઝમ્મિલ, ડૉ. શાહીન સઇદ, ડૉ. આદિલ અહમદ અને મુફ્તી ઇરફાન અહમદને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે ચારેય આરોપીઓને 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલી દીધા છે. આ કેસમાં NIAએ કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જે અગાઉ જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યોની પોલીસની પકડમાં હતા. NIAએ હવે આ આરોપીઓને પોતાની કસ્ટડીમાં લીધા છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ ગુરુવારે કાશ્મીર ટાઇમ્સ અખબારની જમ્મુ ઓફિસ પર દરોડો પાડ્યો. ત્યાંથી AK રાઇફલના કારતૂસ, પિસ્તોલના રાઉન્ડ અને હેન્ડ ગ્રેનેડ પિન મળી આવ્યા. આ કાર્યવાહી પબ્લિકેશન દ્વારા દેશ વિરુદ્ધની ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના આરોપમાં કરવામાં આવી છે. આતંકી ડોક્ટરો માટે ‘આશ્રયસ્થાન’ રહેલી ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી પર EDનો સકંજો કસાયો છે. EDએ બુધવારે યુનિવર્સિટીના ચેરમેન જવાદને સાકેત કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ જવાદને 13 દિવસની રિમાન્ડ પર EDને સોંપી દીધા. ED મુજબ, સિદ્દીકીનો પરિવાર ખાડી દેશોમાં વસેલો છે. તે પણ વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો. જો તેની ધરપકડ ન કરવામાં આવી હોત, તો તે વિદેશ ભાગીને તપાસથી બચી શક્યો હોત અને પુરાવા નષ્ટ કરી શક્યો હોત. બીજી તરફ, જવાદના મહુમાં બનેલા મકાનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ 3 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ કેન્ટ બોર્ડ સખ્તાઈ સાથે તેને હટાવવાની કાર્યવાહી કરશે. બીજી તરફ, અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરનારા કે અભ્યાસ કરનારા 10 લોકો લાપતા છે. તેમનો સંપર્ક થઈ શકતો નથી. આમાં 3 કાશ્મીરી છે. તેમના ફોન બંધ આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસ તેમને શોધવામાં લાગેલી છે.