
એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે 2025માં પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના યુદ્ધમાં પાકિસ્તાને મોટી લશ્કરી સફળતા મેળવી હતી. આ અહેવાલ જે પહલગામ હુમલાને આતંકવાદી હુમલાને બદલે “બળવાખોર હુમલો” તરીકે વર્ગીકૃત કરે છે. 800 પાનાંના આ રિપોર્ટને યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન (USCC)એ જાહેર કર્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ અહેવાલનો વિરોધ કરતાં કહ્યું, “શું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય પોતાનો વાંધો અને વિરોધ નોંધાવશે? આ આપણી રાજદ્વારીને વધુ એક મોટો આંચકો લાગ્યો છે.”
યુએસસીસીનું કહેવું છે કે ચીને ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉપયોગ લાઈવ વોરમાં તેનાં આધુનિક શસ્ત્રોનું પરીક્ષણ કરવા અને તેમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે કર્યો હતો. લડાઈ પછી વિશ્વભરમાં ચીનના દૂતાવાસોએ તેમનાં શસ્ત્રોની પ્રશંસા કરી અને કહ્યું કે પાકિસ્તાને એનો ઉપયોગ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવા માટે કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ભારતનાં નવાં રાફેલ જેટ સહિત ઓછાંમાં ઓછાં છ ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો છે. આનાથી રાફેલ જેટની છબિ ખરાબ થઈ ગઈ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત ત્રણ ભારતીય વિમાનને તોડી પાડવામાં આવ્યાં હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ચીને પાકિસ્તાનના આ દાવાઓનો ઉપયોગ તેનાં શસ્ત્રોનું વેચાણ કરવા માટે કર્યો.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને આ સંઘર્ષમાં ચીન દ્વારા પૂરાં પાડવામાં આવેલાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો, જે વિશ્વને તેની લશ્કરી શ્રેષ્ઠતા દર્શાવે છે. એમાં જણાવાયું છે કે પાકિસ્તાને ચીનની HQ-9 વાયુ સંરક્ષણ પ્રણાલી, PL-15 મિસાઇલો અને J-10 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. ભારતનો દાવો છે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને પણ ચીની ગુપ્ત માહિતી મળી હતી. પાકિસ્તાન આ વાતનો ઇનકાર કરે છે અને ચીને પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. અહેવાલો અનુસાર, 2019થી 2023 વચ્ચે પાકિસ્તાનની 82% શસ્ત્રોની આયાત ચીનથી થઈ હતી.
ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે USCC રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. તે લખે છે કે USCC એ ફરી એકવાર ચીનની આર્થિક, તકનીકી અને સુરક્ષા પ્રગતિને વિશ્વ માટે ખતરા તરીકે દર્શાવી છે. વર્તમાન અભિગમ સૂચવે છે કે આ અહેવાલ રાજકીય હેતુઓ માટે લખવામાં આવ્યો હતો અને એ હકીકતોનું સંપૂર્ણપણે નિષ્પક્ષ વિશ્લેષણ પ્રદાન કરતું નથી. કમિશન ચીન વિશે ઊંડી ગેરસમજો અને ઘમંડ ધરાવે છે. અખબાર વધુમાં નોંધે છે કે અમેરિકાએ ચીનને વધુ સંપૂર્ણ રીતે સમજવાની જરૂર છે. અખબાર કહે છે કે ચીનના શસ્ત્ર ઉદ્યોગના વિકાસ પર આરોપ લગાવવા અથવા એને ખોટી રીતે રજૂ કરવા એ કોઈપણ સાર્વભૌમ દેશના સંરક્ષણ ક્ષમતાઓને વધારવાના મૂળભૂત અધિકારને નકારવા સમાન છે.
ગ્લોબલ ટાઇમ્સે આગળ લખ્યું છે કે સપ્લાય ચેઇનને હથિયારની જેમ ઉપયોગ કરવાનું કામ ચીનનું નહીં, પણ અમેરિકાનું છે. અમેરિકાએ ચિપ ટેક્નોલોજી પર રોક, મિલિટરી ઇક્વિપમેન્ટ પર પ્રતિબંધ, કંપનીઓને બ્લેકલિસ્ટ કરવી અને પોતાના સહયોગી દેશો પર દબાણ નાખીને ચીન વિરુદ્ધ મોરચો ઊભો કરવાની કોશિશ કરી છે. તેના મુકાબલે ચીનનો પ્રતિભાવ માત્ર અમેરિકી પ્રતિબંધોના જવાબમાં છે, ન કે દુનિયાને નુકસાન પહોંચાડવા માટે. ચીનની રેર અર્થ મિનરલ પોલિસી સપ્લાય ચેઇનને સ્થિર રાખવા માટે બનાવવામાં આવી છે, ન કે નિકાસ રોકવા માટે. આખરે આ રિપોર્ટ બતાવે છે કે બદલાતી દુનિયાને સમજવામાં અમેરિકાને મુશ્કેલી પડી રહી છે. દર વર્ષે એક જેવી વાતોનું પુનરાવર્તન કરવું, તથ્યોને અવગણવા અને રાજકીય પૂર્વગ્રહ પકડી રાખવો, આ બધાએ આ રિપોર્ટની પ્રતિષ્ઠા દુનિયાભરમાં નબળી કરી દીધી છે.
યુએસસીસી: યુએસસીસી એક દ્વિપક્ષીય કમિશન છે, જેનો અર્થ એ થાય કે એ રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષો દ્વારા ચીન-યુએસ આર્થિક અને સુરક્ષા સંબંધોને સંતુલિત રીતે દેખરેખ રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. સરળ શબ્દોમાં કહીએ તો USCC એક અમેરિકન કમિશન છે, જે દર વર્ષે ચીન શું કરી રહ્યું છે અને વિશ્વ પર એની શું અસર પડી રહી છે એનો અહેવાલ આપે છે. આ વખતે રિપોર્ટમાં ચીનની નીતિઓ, તેની આર્થિક ક્ષમતા, લશ્કરી પડકાર, ટેકનોલોજી સ્પર્ધા અને સપ્લાય ચેઇન સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ જોખમોની ચર્ચા કરવામાં આવી છે. આ રિપોર્ટનો ઉદ્દેશ કોંગ્રેસ અને યુએસ નીતિ નિર્માતાઓને ચીન દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કેવી રીતે કરવો એ અંગે ભલામણો પૂરી પાડવાનો છે.