તાજેતરમાં ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓ,દિલ્હીમાં થયેલા બૉમ્બ ધડાકા સહિત રાજ્યમાં ઝડપાયેલા આતંકીઓની ઘટનાને પગલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોનો ડેટાબેઝ અપડેટ કરવા માટે તમામ જિલ્લા પોલીસ વડાને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતવાર યાદી 100 કલાકમાં તૈયાર કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાના 500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
500 આરોપીઓનું વેરીફીકેશન હાથ ધરીને 100 ટકા કામગીરી पूर्ण
ગાંધીનગરમાં 8મી નવેમ્બરે ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટ અને ફરિદાબાદમાં આતંક વિરોધી કાર્યવાહી જેવી ઘટનાઓ સામે આવી હતી. આથી, ગુજરાતમાં આ પ્રકારની પ્રવૃત્તિને મૂળમાંથી ડામવા અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વોના નેટવર્કનો ડેટાબેઝ અપડેટ કરવાના ઉદ્દેશ્યથી રાજ્ય પોલીસ વડાએ તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક અસરથી એલર્ટ કરીને એક મોટા ડોઝીઅર તૈયાર કરવા માટે 100 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જેમાં હથિયાર ધારા, NDPS, વિસ્ફોટક સામગ્રી, બનાવટી નોટો, ટાડા, પોટા, UAPA(અનલોફૂલ પ્રિવેન્શન એક્ટિવિટિઝ એક્ટ) અને MCOCA(મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ) જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓનો લેટેસ્ટ ડેઝા બેઝ રેડી કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
‘100 કલાક’ના અલ્ટિમેટમની અસર, સંપૂર્ણ ડોઝીયર તૈયાર જે અન્વયે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના સુપરવિઝન હેઠળ તાબાના થાણા અધિકારીઓએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સંકલન સાધીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. છેલ્લા 30 વર્ષમાં જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓની વિગતોનું ચેકિંગ અને વેરિફિકેશન કરીને સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરી દેવાયું છે.
રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંડોવાયેલા આરોપીઓની તપાસ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સબબ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા જેમ કે,NDPS ના 150 ગુનેગારો, આર્મ્સ એક્ટના 225 ગુનેગારો, પાસાના 10 ગુનેગારો, પોટા MCOCA ના 10 ગુનેગારોનો લેટેસ્ટ ડેટાબેઝ તૈયાર કરી દેવાયો છે. એજ રીતે આવા અન્ય 100 ગુનેગારો પરપ્રાંતીયો હોવાથી જેતે રાજ્યને SOP ગાઇડલાઇન મુજબ જરૂરી આધાર પુરાવા સાથે યાદી મોકલી દેવામાં આવી છે.
મહત્વનું છેકે આ ડેટાબેઝ થકી લોકલ પોલીસની ટીમ તેમના વિસ્તારમાં રહેતા આવા ગંભીર ગુનાના કે દેશવિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા આરોપીઓ ઉપર મેન્ટોર પ્રોજેક્ટ હેઠળ ખાસ બાઝ નજર રાખશે.