
ઇથિયોપિયામાં એક જ્વાળામુખી 12 હજાર વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો. આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ 15 કિમી ઊંચાઈ સુધી પહોંચ્યાં છે. એ રેડ સીને પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયાં છે. સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે આ રાખ દિલ્હી પહોંચી ગઈ. વેધર એક્સપર્ટ્સ સતત એનું ટ્રેકિંગ કરી રહ્યા હતા, કારણ કે રાખનાં આ વાદળ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યાં હતાં. વેધર મોનિટરિંગ ટીમ પ્રમાણે રાખનો આ ગુબાર સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો. ઇન્ડિયા મેટ સ્કાય વેધર એલર્ટે જણાવ્યું હતું કે રાખનાં આ વાદળ જોધપુર-જેસલમેર તરફથી ભારતમાં પ્રવેશ કરી ચૂક્યાં છે અને હવે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યાં છે. રાખનાં આ વાદળ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાઈ ગયાં છે. એનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે. રાત્રે પંજાબ, પશ્ચિમ યુપીના પહાડી વિસ્તારો અને હિમાચલ પર એની અસર જોવા મળવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને ઘણી એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.
આ વિસ્ફોટ અફાર વિસ્તારમાં હેલી ગુબ્બી જ્વાળામુખીમાં થયો હતો. આ એટલો જૂનો અને શાંત જ્વાળામુખી હતો કે આજ સુધી એનો કોઈ રેકોર્ડ નહોતો. આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી, પરંતુ યમન અને ઓમાનની સરકારે લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે, ખાસ કરીને જેમને શ્વાસ લેવામાં તકલીફ હોય. આકાશમાં ફેલાયેલી રાખને કારણે ફ્લાઇટ્સને મુશ્કેલી પડી રહી છે. રાખને કારણે દિલ્હી-જયપુર જેવા વિસ્તારોમાં ફ્લાઇટ્સ પર નજર રાખવામાં આવી રહી છે. રાખના કણો એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ઇન્ટરનેશનલ એવિએશન પ્રોટોકોલ હેઠળ સાવચેતી રાખવામાં આવી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રાખ ખૂબ ઊંચાઈએ (25,000-45,000 ફૂટ) છે, તેથી જમીન પરના લોકો માટે વધુ ખતરો નથી, જોકે હળવા પ્રમાણમાં રાખ પડવાની શક્યતા છે. મંગળવારે સવારે સૂર્યોદય સમયે આકાશ થોડું વિચિત્ર અને રંગબેરંગી દેખાઈ શકે છે.