વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં હાઇ-ટેક ઉદ્યોગો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને આધુનિક ઉપકરણોના નિર્માણમાં ઉપયોગ થતા ‘રેર અર્થ મેટલ્સ’ સહિત ચાર મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે દુર્લભ રેર અર્થ મેટલ્સ જેવા શક્તિશાળી ચુંબકના ઉત્પાદનમાં વધારો કરવા માટે એક નવી યોજનાને મંજૂરી આપી છે અને યોજના માટે 7280 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું છે.
આ ‘સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેન્ટ્સના નિર્માણને પ્રોત્સાહન આપવાની યોજના’ને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘આ યોજનાથી સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનમાં વધારો થશે. કેન્દ્ર સરકારે પ્રત્યેક વર્ષ 6000 મેટ્રીક ટનની ક્ષમતા વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રેર અર્થ મેગ્નેટનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનો, એરોસ્પેસ, ઈલેક્ટ્રોનિક્સ, તબીબી ઉપકરણો અને સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં થાય છે. સરકાર યોજના મુજબ 6000 મેટ્રીક ટનની ક્ષમતાના લક્ષ્યાંક પાર પાડવા માટે વૈશ્વિક સ્તરે બોલી પ્રક્રિયા હેઠળ પાંચ કંપનીઓની પસંદગી કરશે, જેમાં પ્રત્યેક લાભાર્થીઓને 1200 મેટ્રીક ટનની ક્ષમતા પુરી પાડવાનું લક્ષ્યાંક આપવામાં આવી શકે છે.પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ લાઈન-4 અને લાઈન-4એને પણ મંજૂરી આપવામાં આવી છે.
લગભગ 316 કિલોમીટર લાંબી આ બંને લાઈનોમાં 28 એલિવેટેડ સ્ટેશન હશે. લગભગ 9,857.85 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો થશે. નવી મેટ્રો લાઈનોથી વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં બદલાપુર અને કરજત વચ્ચે નવી મંજૂર કરાયેલી ત્રીજી અને ચોથી રેલ લાઈનથી વ્યસ્ત મુંબઈ-પુણે રૂટ પરની ક્ષમતામાં ઘણો વધારો થશે. દિવા-બદલાપુર ચાર-લાઇનનું મોટા ભાગનું કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે અથવા ચાલુ થઈ ચૂક્યું છે. આ વધારો મુંબઈને પુણે અને ત્યાંથી આગળ વાડી અને ગુંટકલના માર્ગે હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ સાથે જોડતા જરૂરી કોરિડોરને મજબૂત બનાવશે.