
અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને થ્રેટ ઇમેઇલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇમેઇલ મોકલનાર રેની જોશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે BJ મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં અગાઉ તેને જામીન મળ્યા હતા. જો કે બોપલની શાળામાં બોમ્બ મૂકવાની ધમકીના અને સરખેજની ફરિયાદમાં સેશન્સ કોર્ટે રેનીના જામીન નકારતા તે જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચી હતી. હાઇકોર્ટે તેને શરતી જામીન આપતા નોંધ્યું છે કે આ બંને કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. વ્યક્તિગત સંબંધોને લઈને રેની એક ડિસ્ટર્બ વ્યક્તિ છે. તે જૂન મહિનાથી જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે આ અરજીની સુનવણીમાં રેનીના વકીલ વિશાલ કુમાર તોમરે કોર્ટને જણાવ્યું હતું કે તેને અમદાવદામાં નોંધાયેલી અન્ય ફરિયાદોમાં જામીન મળી ગયા છે. ફક્ત સરખેજ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જામીન મળ્યા નથી. કોર્ટે કહ્યું હતું કે તમે ગુજરાત હાઇકોર્ટને પણ થ્રેટ ઇમેઇલ મોકલ્યો હતો. તમારા કારણે કેટલા લોકો હેરાન થયા. શા માટે સેશન્સ કોર્ટે તમારા જામીન નકાર્યા છે ? અરજદારે જણાવ્યું હતું કે તેના પકડાઈ ગયા બાદ પણ કોર્ટને થ્રેટ ઇમેઇલ મળ્યા છે. નીચલી કોર્ટમાં રેનીની જામીન અરજીમાં તેના વકીલે રજૂઆત કરી હતી કે તેણે અરેસ્ટ કર્યા પછી પણ તેના નામના ધમકી ભર્યા મેઇલ મળ્યા જ છે. એટલે આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે. પરંતુ પોલીએ તેને પકડી ન શકતા, રેનીને પકડીને કોર્ટ સમક્ષ રજુ કરી દેવાઈ છે. રેનીના ઇલેક્ટ્રોનિક ડીવાઈસ પોલીસ પાસે છે. ડાર્ક વેબનો આરોપીઓ કોઈ ઉપયોગ આક્ષેપ પ્રમાણે કર્યો નથી.
સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી યુવતી ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે છે. તેની સામે ગંભીર ગુન્હો છે. તેને ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે જેવા 11 રાજ્યોમાં થ્રેટ ઇમેઇલ મોકલ્યા હતા. તેને જામીન આપવામાં આવે તો તે આવું કૃત્ય ફરીથી આચરી શકે તેમ છે. વળી ગુજરાત હાઇકોર્ટમાં બોમની ધમકી મળતા હાઇકોર્ટ ખાલી કરાવવી પડી હતી. રેનીના આવા કૃત્યથી વાઘ આવ્યો રે વાઘ આવ્યો તે વાર્તા મુજબનો માહોલ બન્યો છે. ખરેખર જ્યારે બોમ્બ મુકાય ત્યારે તેને કોઈ ગંભીરતાથી લેશે નહીં. આ કેસમાં પોલીસ થિયરી મુજબ યુવતી પોતાની જ કંપનીમાં કામ કરતા એક કર્મચારીના એક તરફ પ્રેમમાં હતી. પરંતુ તેનો પ્રેમી પરિણીત છે. તેને બદનામ કરવા અને તેના છૂટાછેડા કરાવવા યુવતીએ આવી હરકત કરી હતી. યુવતીએ તેના પ્રેમીના નામનું બોગસ ID બનાવી તેને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો. જેથી તેને દેશમાં જુદી જુદી સંસ્થાઓને બોમ્બથી ઉડાડવા ધમકીઓ આપી હતી.